સાવરકુંડલામાં છોકરી સાથે સોશિયલ મીડિયામાં વાત કરવા મુદ્દે બબાલ થઈ હતી, જેમાં યુવકને ‘જીવતો નથી જવા દેવો’ તેમ કહી છરીના ઘા માર્યા હતા. બનાવ અંગે પૃથ્વીરાજભાઈ પ્રતાપભાઈ ધાધલ (ઉં.વ. ૧૮)એ મૂળ સાવરકુંડલાના અને હાલ સુરત રહેતા માનવ રાદડિયા અને ઉદય રાદડિયા સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, તેમના મિત્ર અને ઈજા પામનાર સાહેદ કુલદીપભાઈ સાંઢસુર ઇન્સ્ટાગ્રામમાં સાવરકુંડલાની એક છોકરી સાથે વાતચીત કરતા હતા. આરોપી માનવ રાદડિયા પણ આ છોકરીને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતો હતો. જેથી બંને વચ્ચે મનદુઃખ થતાં આજથી બે મહિના પહેલાં આરોપીએ કુલદીપભાઈને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ મારફતે બીભત્સ ગાળો આપી હતી.આ બાબતે સમાધાન કે વાતચીત કરવા માટે બંને પક્ષો ભેગા થયા હતા. આ દરમિયાન આરોપીએ ઉશ્કેરાઈને કુલદીપભાઈને આડેધડ ઢીકાપાટુંનો માર માર્યો હતો અને ઉદય રાદડિયાએ “તેને જીવતો નથી જવા દેવો” તેમ કહ્યું હતું. ત્યારબાદ આરોપીએ જાનથી મારી નાખવાના ઈરાદે પીઠના પાછળના ભાગે છરીના આડેધડ ઘા મારી જીવલેણ ઈજા કરી હતી, તેમજ જમણા હાથના પહોંચાના ભાગે છરી વડે બે ટાંકા આવે તેવી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.બી. સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.