લીલીયા તાલુકાના સલડી ગામે આશરે ૯૦૦ વીઘામાં ફેલાયેલા વિશાળ તળાવના પુનરોધ્ધારની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ કાર્ય માટે રૂ.૨ કરોડ ૮૬ લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ પ્રસંગે સાંસદ ભરતભાઈ સુતરીયા, કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચોડવડિયા ઉપસ્થિત રહ્યા હતા. તળાવને બાવળમુક્ત કરવું, ઊંડું કરવું, પાળાઓ મજબૂત બનાવવા તેમજ પુલ સુધીના એપ્રોચ માર્ગની સુવિધા વિકસાવવાની કામગીરી હાથ ધરાશે. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ આ વિકાસકાર્યથી ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો મોટો લાભ મળશે તેમ જણાવ્યું હતું. આગામી વર્ષ સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનો આશાવાદ વ્યક્ત કરાયો છે. આ પુનરોધ્ધારથી ઇશ્વરિયા, નાના લીલીયા સહિત લીલીયા અને અમરેલી તાલુકાનાં આશરે ૧૯ ગામોને લાભ મળશે.