આમ તો માણસ સુખ દુઃખ બન્ને પરિસ્થિતિમાં ઈશ્વરને યાદ કરે છે,પરંતુ બન્ને સ્થિતિમાં યાદ કરવાનો હેતુ અલગ હોય છે.જીવનમાં માણસની એક વિચિત્ર માનસિકતા છે. પોતાની અપેક્ષાઓ માણસો પાસેથી રાખે છે અને જ્યારે એ અપેક્ષાઓ પૂર્ણ થતી નથી ત્યારે ફરિયાદ ભગવાનને કરે છે. ખરેખર, આ વિચાર આપણને આત્મમંથન કરવા મજબૂર કરે છે કે આખરે આપણી ખુશી અને દુઃખનો આધાર આપણે કોના પર રાખ્યો છે?આપણા પોતાના પર,બીજા પર કે ઈશ્વર પર?
દરેક વ્યક્તિના જીવનમાં અનેક સંબંધો હોય છે. પરિવાર, મિત્રો, સગાંસંબંધીઓ, સહકર્મચારીઓ અને સમાજના લોકો સાથે આપણે જોડાયેલા હોઈએ છીએ. દરેક પાસેથી આપણને કંઈક અપેક્ષા હોય છે. કોઈ આપણને માન આપે, કોઈ આપણી વાત સમજે, કોઈ મુશ્કેલીના સમયે સાથ આપે, તો કોઈ આપણા સારા કામની પ્રશંસા કરે. પરંતુ જ્યારે સામેની વ્યક્તિ આપણી અપેક્ષા પ્રમાણે વર્તન કરતી નથી ત્યારે આપણું મન દુઃખી થાય છે. ક્યારેક તો વર્ષો જૂના સંબંધોમાં પણ કડવાશ આવી જાય છે.આનું મૂળ કારણ આપણે ઇચ્છીએ એવું સામેવાળાના વર્તનની અપેક્ષા!
હકીકતમાં, અપેક્ષા રાખવી એ માનવસ્વભાવ છે, પરંતુ અપેક્ષાઓને જીવનનો આધાર બનાવી દેવી એ દુઃખનું કારણ છે. આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ કે દરેક વ્યક્તિનો સ્વભાવ, સંજોગો, પરિસ્થિતિ,વિચારધારા અને સમજવાની શક્તિ અલગ હોય છે. જે વાત આપણને યોગ્ય લાગે તે સામેની વ્યક્તિને પણ યોગ્ય લાગે એવું જરૂરી નથી. દરેક વ્યક્તિ પાસેથી આપણી ઈચ્છા મુજબના વર્તનની આશા રાખવી એ જ સૌથી મોટી ભૂલ છે.અને એ ભૂલના ભોગે આપણા સબંધો બગડે છે.પછી મનોમન દુઃખી થઈને ભગવાન પાસે ફરિયાદ કરીએ છીએ.
ભગવાન પાસે ફરિયાદ કરવાને બદલે આપણે પોતાની અંદર ડોકિયું કરવાની જરૂર છે. ભગવાને આપણને સમજણ, વિવેક, ધીરજ અને કર્મ કરવાની શક્તિ આપી છે. કોઈ વ્યક્તિ આપણને મદદ ન કરે તો એનું દુઃખ લગાડવાના બદલે આપણે બીજાને મદદરૂપ બની શકીએ છીએ. કોઈ આપણને પ્રેમ ન આપે તો પણ આપણે પ્રેમ વહેંચી શકીએ છીએ. કોઈ માન ન આપે તો પણ આપણે બીજાનું સન્માન જાળવી શકીએ છીએ. કારણ કે આપણા સંસ્કાર અને ચારિત્ર્યનું મૂલ્ય બીજાના વર્તનથી નક્કી થતું નથી.ટૂંકમાં,કોઈના આપણી સાથેના ખરાબ વર્તનની અસર બીજા અન્ય લોકો સાથેના આપણા વર્તન પર પડવી ના જોઈએ.
સાચી શ્રધ્ધા એટલે માત્ર ભગવાન પાસે માંગતા રહેવું નહીં, પરંતુ ભગવાને આપેલા જીવન, પરિવાર, સ્વાસ્થ્ય અને સંબંધો માટે
કૃતજ્ઞ રહેવું. જીવનમાં જે મળ્યું છે તેનો આનંદ માણવો અને જે નથી મળ્યું તેના માટે સતત ફરિયાદ ન કરવી. માણસો પાસેથી અપેક્ષા ઓછી અને પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા વધારે રાખવી જોઈએ.
આપણે એક વાત હંમેશાં યાદ રાખવી જોઈએ કે સંબંધો અપેક્ષાથી નહીં, પરંતુ સમજણ, વિશ્વાસ, લાગણી અને નિઃસ્વાર્થ ભાવનાથી ટકે છે. જે વ્યક્તિ અપેક્ષાઓનું ભારણ ઓછું કરે છે તે જીવનમાં વધુ હળવાશ અને શાંતિ અનુભવે છે.
આથી, ચાલો વિક્રમ સવંત ૨૦૮૩ ના વર્ષમાં આપણે જીવનમાં એક નાનો સંકલ્પ કરીએ કે બીજાઓ પાસેથી કાંઈક મળવાની અપેક્ષા રાખવાને બદલે બીજાને કંઈક આપવાનો પ્રયત્ન કરીશું. ફરિયાદ કરવાને બદલે આભાર માનીશું અને બીજાની ભૂલો શોધવાને બદલે પોતાની ખામીઓ સુધારીશું.બીજાને સુધરવા માટે સલાહ આપવાના બદલે ખુદ બીજાની પરિસ્થિતિ સમજવા પ્રયત્ન કરીશુ. કારણ કે જીવનની સાચી ખુશી એમાં નથી કે દુનિયા આપણી અપેક્ષા પ્રમાણે જીવે, પરંતુ એમાં છે કે આપણે દુનિયાની પરિસ્થિતિ વચ્ચે પણ હસતાં અને હકારાત્મક રહીને જીવતાં શીખીએ.અતિ અપેક્ષામાં રાખવાને બદલે કૈક અર્પણ કરવાં માટે પ્રયત્ન કરતા રહીશુ.

અપેક્ષાના ભારથી સંબંધો તૂટી જાય છે, સમજણના સેતુથી અંતર પણ ભૂંસાઈ જાય છે. ફરિયાદો છોડી કૃતજ્ઞતાનો દીપ પ્રગટાવીએ, બીજાને બદલવા પહેલાં ખુદને સુધારતા જઈએ.