સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરામાં દિવાળીના તહેવારો દરમિયાન નશાની હાલતમાં વાહન ચલાવવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. શહેર પોલીસ દ્વારા ૧૫ દિવસ સુધી ચલાવવામાં આવેલી વિશેષ ઝુંબેશમાં ડ્રંક એન્ડ ડ્રાઈવના ૮૧ કેસ નોંધાયા છે. બીજી તરફ ફટાકડા અંગેના જાહેરનામાનો ભંગ કરનારા ૩૭ લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. આમ, બંને પ્રકારના નિયમભંગના કુલ ૧૧૮ કેસ નોંધાયા છે.
ડિવિઝન મુજબના આંકડા પર નજર કરીએ તો ડ્રંક એન્ડ ડ્રાઈવના સૌથી વધુ ૨૩ કેસ ઈ ડિવિઝનમાં નોંધાયા છે. ડી ડિવિઝનમાં ૧૫, એ ડિવિઝનમાં ૧૧, સી અને એફ ડિવિઝનમાં ૧૦-૧૦,જી ડિવિઝનમાં ૬, બી ડિવિઝનમાં ૪ અને એચ ડિવિઝનમાં ૨ કેસ નોંધાયા છે.
બીજી તરફ દિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડવા અને વેચાણ અંગેના જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ કમિશનર દ્વારા ૩૦ ઓક્ટોબરના રોજ જાહેર કરાયેલા જાહેરનામા મુજબ નિર્ધારિત સમયમર્યાદા બાદ ફટાકડા ફોડવા, પ્રતિબંધિત ફટાકડાનું વેચાણ કરવા તેમજ જાહેર માર્ગો પર જાખમી રીતે ફટાકડા ફોડીને લોકોની સલામતી જાખમમાં મૂકવા બદલ કુલ ૩૭ કેસ નોંધાયા હતા.
આ પૈકી એફ ડિવિઝનમાં ૧૧ અને ઈ ડિવિઝનમાં ૧૦ કેસ નોંધાયા હતા. ડી ડિવિઝનમાં ૬, એ ડિવિઝનમાં ૫,બી ડિવિઝનમાં ૩ અને સી તથા જી ડિવિઝનમાં એક-એક કેસ નોંધાયા હતા. એચ ડિવિઝનમાં કોઈ કેસ નોંધાયો નથી. આમ, ૧થી ૧૫ નવેમ્બર દરમિયાન વડોદરા શહેરમાં ડ્રંક એન્ડ ડ્રાઈવના ૮૧ અને ફટાકડાના જાહેરનામા ભંગના ૩૭ મળીને કુલ ૧૧૮ કેસ નોંધાયા છે. તહેવારોની ઉજવણી વચ્ચે સામે આવેલા આ આંકડા શહેરમાં ટ્રાફિક નિયમો અને જાહેર સલામતીના પાલન સામે સવાલો ઊભા કરે છે. શહેર પોલીસ દ્વારા આગામી સમયમાં પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા આવી કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ જણાવાયું છે.