કચ્છના અંજાર નજીક અજાપર વિસ્તારમાં ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતાં ત્રણ કિશોરોનાં મોત થયાં હતાં. અજાપરની પ્લાયવુડ ફેક્ટરી પાસે બનેલી આ ઘટનામાં બાઈક ટ્રક સાથે અથડાતાં ત્રણેય કિશોરોએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાને પગલે મૃતકોના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
મળતી માહિતી મુજબ, અજાપરની પ્લાયવુડ ફેક્ટરી પાસે ટ્રક અને બાઈક વચ્ચે ટક્કર થઈ હતી. બાઈક પર ત્રણ કિશોર સવાર હતા. અકસ્માતમાં ત્રણેયને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે જ તેમનાં મોત નીપજ્યાં હતાં.મૃતકોની ઓળખ ૧૪ વર્ષીય ઉમલ રામજી આશા રબારી, ૧૬ વર્ષીય માધવ ધના રબારી અને ઈશ્વર કમા રબારી તરીકે થઈ છે. ત્રણેય કિશોર રબારી સમાજના હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં અંજાર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. પૂર્વ કચ્છમાં તાજેતરમાં માર્ગ અકસ્માતની બીજી ઘટના પણ સામે આવી હતી. મુન્દ્રાના લુણી-વડાલા રોડ પર ગાયને બચાવવાના પ્રયાસમાં બાઈક સવાર પિતા-પુત્ર અકસ્માતનો ભોગ બન્યા હતા.અંજારના સિનુગ્રા ગામના ૪૦ વર્ષીય કાનજી દેવજી માંગલિયા અને તેમના ૮ વર્ષીય પુત્ર રુદ્રનું આ અકસ્માતમાં મોત થયું હતું. આ ઘટનાથી પરિવાર અને સ્થાનિક વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ હતી.










































