અમરેલી જિલ્લામાં સેવાભાવ, ભક્તિ અને માનવતાના પ્રતીક એવા સંત શિરોમણી જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિની વિવિધ સ્થળોએ ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ચલાલા, બગસરા અને સાવરકુંડલા ખાતે ધાર્મિક કાર્યક્રમો, પૂજા-અર્ચના, અન્નકૂટ દર્શન, શોભાયાત્રા અને મહાપ્રસાદ સહિતના આયોજનો કરવામાં આવ્યાં હતાં. સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.ચલાલા સ્થિત ત્રિવેણી સંગમ માનવ મંદિરમાં જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે વિશેષ પૂજા-અર્ચના સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. બાપાનાં દર્શન માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે મંદિર ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય માહોલમાં સંપન્ન થયો હતો.બગસરામાં લોહાણા પરિવારો દ્વારા પણ જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. સવારે બાપાની પૂજા કરવામાં આવી હતી અને અન્નકૂટનાં દર્શન ભાવિકો માટે ખુલ્લાં મૂકવામાં આવ્યાં હતાં. બપોરે સાધુ-સંતો તેમજ સમગ્ર જ્ઞાતિ માટે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત શોભાયાત્રા, રાત્રિ આરતી અને સમગ્ર જ્ઞાતિ માટે ભોજનપ્રસાદ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આમંત્રિત મહેમાનો માટે વિશેષ ભોજનપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજુલામાં પણ જલારામબાપાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. સાવરકુંડલામાં જલારામ સત્સંગ મંડળ, લોહાણા મહાજન ટ્રસ્ટ તથા સંલગ્ન સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે ૫ઃ૩૦ કલાકે મંગળા આરતી સાથે કાર્યક્રમોનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ સવારે ૭ વાગ્યે પૂજન-અર્ચન અને ૮ વાગ્યે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. સવારે ૯ વાગ્યે જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ઢોલ-નગારાના નાદ અને જય જલારામના ગગનભેદી નાદ સાથે શોભાયાત્રા નગરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી. તેમાં મોટી સંખ્યામાં ભાવિકો અને રઘુવંશી સમાજના પરિવારો જોડાયા હતા. ઠેર-ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બપોરે ૧૨ઃ૨૦ કલાકે રાજભોગ આરતી અને ૧ વાગ્યે સંત ભોજનનું આયોજન કરાયું હતું. સાંજે ૫થી ૮ દરમિયાન ભાવિકોએ અન્નકૂટનાં દર્શનનો લાભ લીધો હતો. સાંજે ૬ઃ૩૦ કલાકે સંધ્યા આરતી અને રાત્રે ૧૦ વાગ્યે સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર ઉજવણી દરમિયાન સમાજમાં એકતા, ભાઈચારો, સમરસતા અને સેવાભાવનો સંદેશ પ્રસર્યો હતો. આયોજકો, દાતાઓ, યુવાનો અને સેવાભાવી કાર્યકરોના સહયોગથી જન્મજયંતિ મહોત્સવ ઉજવાયો હતો






































