અમરેલી તાલુકાના વરસડા ગામે પ્રેમલગ્ન કરનાર એક પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ આપી, સમાધાનના બહાને બોલાવીને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. વરસડા ગામના ગુલાબબેન ચતુરભાઈ દાફડાએ એકાદ વર્ષ પહેલા જીતેશભાઈ રામજીભાઈ સારીખડા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદથી જ પતિ જીતેશભાઈ અને અંજુબેન સારીખડા દ્વારા મેણાંટોણાં મારી ત્રાસ આપવામાં આવતો હતો, જેના કારણે ગુલાબબેન છેલ્લા વીસેક દિવસથી પોતાના પિયર રિસામણે ગયા હતા.આ દરમિયાન પતિ જીતેશભાઈએ પરિણીતાને વરસડા ગામે બોલાવતા તેઓ સાહેદ સાથે ત્યાં પહોંચ્યા હતા. જ્યાં જીતેશભાઈ, અંજુબેન, વિનોદભાઈ અને મુકેશભાઈ સારીખડાએ એકસંપ થઈ ગાળો આપી, ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ચારેય આરોપીઓ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.











































