શિયાળાની ઋતુમાં શરીરની તંદુરસ્તી જાળવવા, જૂના દુખાવાને કાબૂમાં રાખવા, વધતા સાંધાના દુખાવા, સ્નાયુઓની જકડાશ અને વા(આર્થરાઇટિસ)ની તકલીફને દવા વિના નિયંત્રિત કરવા માટે ફિઝિયોથેરાપી ખૂબ અસરકારક સારવાર છે. ઠંડા વાતાવરણમાં લોહીનું પરિભ્રમણ ધીમું પડવાથી શરીર અક્કડ બને છે, જેને ફિઝિયોથેરાપીની યોગ્ય કસરત અને થેરાપી દ્વારા સરળતાથી દૂર કરી શકાય છે. ફિઝિયોથેરાપીમાં રોજિંદા જીવનમાં અપનાવી શકાય તેવી ખાસ કસરતો અને આદતો શરીરને લાંબા ગાળાની રાહત આપે છે.
– શિયાળામાં જોવા મળતી શારીરિક સમસ્યાઃ
* ઓસ્ટિયોઆર્થરાઇટિસ (સાંધાનો ઘસારો)ઃ ઠંડીમાં ઘૂંટણ અને થાપાના સાંધાનું લુબ્રિકેશન (સાયનોવિયલ ફ્લુઇડ) ઘટ્ટ થવાથી હલનચલનમાં કટકટ અવાજ અને દુખાવો વધે છે.
* સાયટિકા અને કમરનો દુખાવોઃ ઠંડા પવન અને જકડાયેલા સ્નાયુને કારણે કમરની નસ પર દબાણ વધતાં, પગમાં ઝણઝણાટી કે દુખાવો થાય છે.
* ફ્રોઝન શોલ્ડરઃ ડાયાબિટીસના દર્દીઓમાં શિયાળામાં ખભાના સાંધાનું હલનચલન અટકી જવાની સમસ્યા જોવા મળે છે.
* જૂની ઈજાનો દુખાવોઃ અગાઉના ફ્રેક્ચર કે સ્નાયુના ખેંચાણની જગ્યાએ ઠંડીમાં લોહીનું પરિભ્રમણ ધીમું પડતાં ફરી કળતર શરૂ થાય છે.
– શિયાળામાં સાંધા અને સ્નાયુ કેમ જકડાય જાય છે?
* લોહીના પરિભ્રમણમાં ઘટાડોઃ ઠંડીને લીધે શરીરની રક્તવાહિનીઓ સંકોચાય છે, જેથી સ્નાયુઓ અને સાંધા સુધી લોહી ઓછું પહોંચતાં દુખાવો અને જકડાશ અનુભવાય છે.
* હવાના દબાણમાં ફેરફારઃ શિયાળામાં વાતાવરણનું દબાણ ઘટવાથી સાંધાની આસપાસની પેશીઓમાં થોડો સોજો આવી શકે છે, જે જૂના દુખાવાને ફરી ઉભારે છે.
* શારીરિક પ્રવૃત્તિનો અભાવઃ ઠંડીના કારણે લોકો હલનચલન અને કસરત ઓછી કરે છે, જેથી સાંધાની લવચીકતા (ફ્લેક્સિબિલિટી) ઘટવા પામે છે.
– શિયાળામાં સાંધાની સંભાળ માટે જીવનશૈલીના ફેરફારઃ
* વિટામિન ડ્ઢ અને સૂર્યપ્રકાશઃ શિયાળામાં સવારનો કૂણો તડકો (સવારે ૮-૧૦ વાગ્યા સુધી) લેવાથી કુદરતી વિટામિન ડ્ઢ મળે છે, જે હાડકાં અને સ્નાયુની મજબૂતી માટે જરૂરી છે.
* પૂરતું પાણી પીઓઃ ઠંડીમાં તરસ ઓછી લાગવાથી શરીરમાં ડિહાઇડ્રેશન થાય છે. પાણી ઓછું પીવાથી સ્નાયુમાં ખેંચાણની શક્યતા વધી જાય છે.
* ગરમ તેલથી હળવી માલિશઃ કસરત કરતા પહેલાં સરસવ કે તલના હૂંફાળા તેલથી સાંધા પર હળવા હાથે માલિશ કરવાથી સ્નાયુ ગરમ થાય છે.
– શિયાળામાં ફિઝિયોથેરાપીના ફાયદા અને પધ્ધતિઃ
* હીટ થેરાપી (ગરમ શેક)ઃ ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા અપાતા હોટ પેક, પેરાફિન વેક્સ બાથ કે અલ્ટ્રાસાઉન્ડ થેરાપીથી સાંધામાં ગરમાવો આવે છે. જેથી લોહીનું પરિભ્રમણ વધે છે અને જકડાયેલા સ્નાયુઓને તરત આરામ મળે છે.
* સાંધાની લવચીકતા જાળવવીઃ ફ્રોઝન શોલ્ડર (ખભા જકડાવા), ઘૂંટણનો ઘસારો અને કમરના દુખાવામાં ખાસ પ્રકારની જોઇન્ટ મોબિલાઇઝેશન અને સ્ટ્રેચિંગ કસરતો સાંધાને જામ થતા અટકાવે છે.
* સ્નાયુની મજબૂતીઃ સાંધાની આસપાસના સ્નાયુને મજબૂત કરવાની કસરત કરવાથી સાંધા પર આવતું દબાણ ઘટે છે, પરિણામે દૈનિક કામકાજ કરવું સરળ બને છે.
* ઇલેક્ટ્રોથેરાપીઃ વધુ પડતા દુખાવા કે સોજામાં TENS કેIFT જેવા આધુનિક ઉપકરણની મદદથી પેઇનકિલર દવા લીધા વિના પીડામાં રાહત મળી શકે છે.
– ઘરે કરી શકાય તેવી સરળ ફિઝિયોથેરાપી કસરતો (સવારનું રૂટિન):
* એન્કલ પમ્પ્સ (પગના પંજાની કસરત): સવારે પથારીમાંથી ઊઠતા પહેલા પગના પંજાને ૧૫-૨૦ વાર આગળ-પાછળ ખેંચો. જેથી પગમાં લોહીનું પરિભ્રમણ તરત શરૂ થાય છે.
* ની-રોલ અને સ્ટ્રેચ (ઘૂંટણની કસરત): પથારીમાં સીધા સૂઈ એક પછી એક ઘૂંટણને છાતી તરફ હળવેથી વાળો અને ૧૦ સેકન્ડ માટે રોકી રાખો.
* કેટ-કેમલ સ્ટ્રેચ (કમર માટે): ઘૂંટણ અને હાથના ટેકે ઊભાં રહી કમરને ઉપરની તરફ ઉઠાવો અને પછી નીચેની તરફ વાળો. આ કસરત કરોડરજ્જુની જકડાશને દૂર કરશે.
* શોલ્ડર રોટેશન (ખભા માટે): ખભાને આગળથી પાછળ અને પાછળથી આગળ ગોળાકાર દિશામાં ૧૦-૧૦ વાર ફેરવો.
– ક્યારે ફિઝિયોથેરાપિસ્ટનો સંપર્ક કરવો?
* જો સાંધા પર વધુ પડતો સોજો, લાલાશ કે ગરમાવો અનુભવાય.
* જો દુખાવાને કારણે રાત્રે ઊંઘ ન આવે કે રોજિંદા કામકાજ અટકી જાય.
* જો હાથ કે પગમાં ખાલી ચડતી હોય કે નબળાઈ લાગતી હોય…આમાંની કે અન્ય કોઈ શારીરિક સમસ્યા જણાય તો તમારા જાણીતા ફિઝિયોથેરાપિસ્ટનો તાત્કાલિક સંપર્ક કરી સારવાર કરાવવી જરૂરી છે.
– ફિઝિયોથેરાપી ક્લિનિકમાં મળતી ખાસ સારવારઃ
* પેરાફિન વેક્સ બાથઃ ખાસ કરીને હાથ-પગની આંગળીઓના સાંધાના દુખાવામાં ગરમ મીણની સારવાર રાહતદાયક સાબિત થાય છે.
* ડ્રાય નીડલિંગ અને માયોફેશિયલ રિલીઝઃ ઠંડીને કારણે સ્નાયુમાં બની ગયેલી ગાંઠો (ટ્રિગર પોઈન્ટ્સ)ને ખોલવા માટે આ આધુનિક પધ્ધતિ વપરાય છે.
* હાઇડ્રોથેરાપી (હૂંફાળા પાણીમાં કસરત): ગરમ પાણીમાં કસરત કરવાથી
શરીરનું વજન સાંધા પર આવતું નથી અને સ્નાયુ ઝડપથી ખુલે છે.
– શિયાળામાં રાખવાની સાવચેતીઃ
* કસરત પહેલા વોર્મ-અપઃ સવારની ઠંડીમાં સીધી ભારે કસરત, દોડવું કે ઝડપી ચાલવાનું શરૂ ન કરો. પહેલાં ૫-૧૦ મિનિટ હળવું વોર્મ-અપ અને સ્ટ્રેચિંગ કરો.
* સવારની હળવી કસરતઃ પથારીમાંથી ઊઠતા પહેલાં પગના પંજા અને ઘૂંટણને હળવેથી વાળવાની અને સીધા કરવાની કસરત કરવાથી સવારની જકડાશ ખૂબ ઘટે છે.
* શરીરને ગરમ રાખોઃ કસરત કરતી વખતે કે બહાર નીકળતી વખતે સાંધા (ખાસ કરીને ઘૂંટણ અને ખભા) ઢંકાયેલા રહે તેવાં ગરમ કપડાં પહેરો
sanjogpurti@gmail.com











































