ચંડોળા ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ૬ મહિના જેટલો વિલંબ ચાલી રહ્યો છે, જ્યારે દોઢ વર્ષ પહેલાં દબાણો દૂર કરાયાં હોવા છતાં અસરગ્રસ્ત પરિવારોને હજુ સુધી મકાન મળ્યાં નથી. આ સ્થિતિ વચ્ચે મ્યુનિસિપલ કમિશનરે ચંડોળા ડેવલપમેન્ટ સાઇટની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓને ઝડપથી કામ પૂર્ણ થાય તેના માટેની જરૂરી સૂચનાઓ આપી હતી. હાલ ફેઝ-૧નું ૭૦ ટકા કામ પૂર્ણ થયું છે અને માર્ચ ૨૦૨૭ સુધીમાં કામગીરી પૂરી કરવાનું આયોજન છે.
મહત્વનું છે કે ગત ૩ સપ્ટેમ્બરના રોજ ચંડોળા તળાવના ૨૦૦થી વધુ અસરગ્રસ્તોએ સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે ઘેરાવ કર્યો હતો. તેમણે દર મહિને ૧૦,૦૦૦ રૂપિયા ભાડું અને તાત્કાલિક મકાન આપવાની માંગ કરી. કમિશનર ન મળતા લોકોએ રોષ વ્યક્ત કર્યો. જે બાદ વિરોધની વાત કાને વાત પડતાં કમિશનરે સ્થળ તપાસ કરી હાજર અધિકારીઓ પાસેથી ચાલી રહેલા કામની વિગતો મેળવી હતી અને કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત, ડેવલપમેન્ટ સાઇટની આસપાસના વિસ્તારોમાં દબાણો અને ત્યાં વસવાટ કરતા પરિવારો સાથે સંવાદ કર્યો હતો.
અસરગ્રસ્ત પરિવારોને કોર્પોરેશનના યુસીડી વિભાગ દ્વારા શેલ્ટર હોમમાં રહેવાની વ્યવસ્થા અંગે સમજાવવામાં આવશે. પરિવારોનાં બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત શાળાઓમાં પ્રવેશ અપાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તંત્ર તરફથી વાલીઓને બાળકોને નિયમિત શાળાએ મોકલવા અપીલ કરવામાં આવી.
ચંડોળા તળાવમાંથી દોઢ વર્ષ પહેલાં દબાણો દૂર કરાયાં હોવા છતાં અસરગ્રસ્ત પરિવારોને હજી સુધી મકાન મળ્યાં નથી તે મુદ્દે પૂર્વ વિપક્ષ નેતા અને દાણીલીમડાના કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણે સવાલ ઉઠાવ્યા છે. તેમના દાવા મુજબ, દબાણો દૂર થયા બાદ પણ પરિવારોને ઘર ફાળવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ નથી. પરિણામે અસરગ્રસ્ત પરિવારોને હજુ પણ ભાડાના મકાનમાં રહેવું પડે છે અને ભાડાનો આર્થિક બોજ સહન કરવો પડે છે.
તેમણે માગ કરી છે કે અસરગ્રસ્ત પરિવારો માટે ઝડપથી પ્લોટની ઓળખ કરવામાં આવે અને મકાનોનું બાંધકામ શરૂ કરીને તેમને ઘર ફાળવવામાં આવે. પરિવારો બેંકમાંથી લોન લઈને મકાન માટે નાણાં ચૂકવવા પણ તૈયાર છે. તેથી મકાનની વ્યવસ્થા કરવામાં વધુ વિલંબ ન થાય તે રીતે કામ કરવામાં આવે.





































