રાજકોટની કુખ્યાત હાંડા ગેંગ સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (ગુજસીટોક) કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. ભવદિપ ઉર્ફે યશ ઉર્ફે હાંડો ડાભી સહિત ગેંગના કુલ ૧૫ સભ્યો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ગેંગના સભ્યો સામે છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન હત્યા, હત્યાના પ્રયાસ, લૂંટ, મારામારી, રાયોટિંગ, આર્મ્સ એક્ટ અને એનડીપીએસ સહિતના કુલ ૫૦ ગુનાઓ નોંધાયેલા છે.
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે ગુજસીટોક હેઠળ નોંધાયેલા ગુનામાં ૧૪ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે જેલમાં બંધ એક આરોપીનો કબજા મેળવી તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કેસની વધુ તપાસ એસીપી પશ્ચિમને સોંપવામાં આવી છે.
રાજકોટ શહેર ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી ભવદિપ ઉર્ફે યશ ઉર્ફે હાંડો ડાભી ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ગેંગના સભ્યો સામે વર્ષોથી વિવિધ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે અને તેમની ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા આ કાર્યવાહી કરવામાં આવી છે.
ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવેલા આરોપીઓમાં ભવદિપ ઉર્ફે યશ ઉર્ફે હાંડો ડાભી, રોહિત ઉર્ફે પિયુષ ડાભી, ધર્મેશ ઉર્ફે ધમો ડાભી, ઋષિક ઉર્ફે ઋત્વીક ડાભી, સુધા ધામેલીયા, મયુર ધામેલીયા, વિશાલ ગોહિલ, શક્તિ રાઠોડ, વિપુલ બગથરીયા, રાજ કાપડી, હિતેશ ધામેલીયા, વિનય ઉકેડીયા, સચિન વોરા, આકાશ વારગીયા અને મિત ખગ્રામનો સમાવેશ થાય છે.
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, ગેંગના સભ્યો સામે નોંધાયેલા ગુનાઓની સંખ્યા પણ નોંધપાત્ર છે. ભવદિપ ડાભી સામે ૮, રોહિત ડાભી સામે ૯, ધર્મેશ ડાભી સામે ૫, ઋષિક ડાભી સામે ૪, સુધા ધામેલીયા સામે ૫, મયુર ધામેલીયા સામે ૫, વિશાલ ગોહિલ સામે ૩, શક્તિ રાઠોડ સામે ૪, વિપુલ બગથરીયા સામે ૧૨, રાજ કાપડી સામે ૪, હિતેશ ધામેલીયા સામે ૭, વિનય ઉકેડીયા સામે ૬, સચિન વોરા સામે ૩, આકાશ વારગીયા સામે ૩ અને મિત ખગ્રામ સામે ૫ ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસનું કહેવું છે.
આ કાર્યવાહી સાથે પોલીસ હવે ગેંગ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓથી મેળવવામાં આવેલી મિલકતોની તપાસ પણ કરશે. ગેરકાયદે રીતે મેળવેલી સંપત્તિઓ ટાંચમાં લેવા તેમજ અનધિકૃત બાંધકામો સામે કાર્યવાહી કરવાની દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવશે.
રાજકોટ શહેરમાં ગુજસીટોક કાયદા હેઠળ અત્યાર સુધી કુલ ૧૨ ગુનાઓ નોંધાયા છે. તેમાંથી ૧૦ ગુનાઓ છેલ્લા એક વર્ષ દરમિયાન નોંધાયા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. આ સમયગાળા દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે ૧૦ ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરીને કુલ ૧૨૮ વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત, વધુ બે ગેંગ સામે પણ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાની તૈયારી ચાલી રહી હોવાનું પોલીસનું કહેવું છે.