રાજુલા તાલુકાના સમૂહખેતી ગામ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને અને રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી પરિસંવાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલે સમૂહખેતીના વિચારને સાકાર કરનાર સ્વ. ભગવાનબાપા, સ્વ. ગોવિંદભાઈ સહિત ૧૬ પ્રણેતાઓને સ્મરણાંજલિ અર્પી હતી. સમૂહખેતીના પ્રણેતા ભગવાનબાપા કસવાલાની પ્રતિમાનું મહાનુભાવોના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. સાથે ગામના વિકાસમાં યોગદાન આપનારા મહાનુભાવોનું સન્માન કરાયું હતું.પરિસંવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાસાયણિક ખેતીના દુષ્પરિણામો અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે રાસાયણિક ખાતરોના અતિશય ઉપયોગથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઘટીને ૦.૫ ટકાથી પણ નીચે પહોંચી ગયું છે. જંતુનાશકો અને રાસાયણિક ખાતરોના ઉપયોગથી જમીન, હવા, ભૂગર્ભજળ અને ખોરાકની ગુણવત્તા પર માઠી અસર થઈ રહી છે. તેમણે કેન્સર, હૃદયરોગ અને ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.પ્રાકૃતિક ખેતીના વૈજ્ઞાનિક અભિગમ અંગે સમજાવતાં તેમણે જણાવ્યું હતું કે દેશી ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી તૈયાર થતા જીવામૃતના ઉપયોગથી જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓની પ્રવૃત્તિ વધે છે અને જમીનની ફળદ્રુપતા જળવાય છે. પ્રાકૃતિક ખેતીથી જળસંચયમાં વધારો થાય છે અને ખેડૂતોને જમીનની ગુણવત્તા જાળવવામાં મદદ મળે છે. તેમણે કુરુક્ષેત્ર ગુરુકુળના ૨૦૦ એકરના ખેતરનું ઉદાહરણ પણ આપ્યું હતું. કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવા આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં અંદાજે ૯ લાખ ખેડૂતો ૮.૭૯ લાખ એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. અમરેલી જિલ્લામાં પણ ૧૭ હજાર ખેડૂતો ૧૯ હજાર એકરમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી ચૂક્યા છે. રાજ્યમાં ૪૮૯૦ ક્લસ્ટર બનાવવામાં આવ્યાં છે અને ૭૫૯૧ કૃષિ સખી તથા સી.આર.પી. મારફતે ખેડૂતોને તાલીમ આપવામાં આવી રહી છે. હાલોલમાં દેશની પ્રથમ નેચરલ ફા‹મગ સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના તેમજ ખેડૂતોનાં ઉત્પાદનોના સીધા વેચાણ માટે ૧૪૦૦થી વધુ વેચાણ કેન્દ્રો શરૂ કરાયાં હોવાની માહિતી પણ તેમણે આપી હતી. કાર્યક્રમના પ્રારંભે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પ્રાસંગિક સંબોધન કર્યું હતું. પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. રાજ્યપાલે કૃષિ સખીઓ,
સી.આર.પી. અને પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો.આ પ્રસંગે ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્યો જનકભાઈ તળાવિયા અને જે.વી. કાકડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચોડવડીયા, કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી રાજેશકુમાર મૌર્ય, પોલીસ અધિક્ષક જયવીર ગઢવી સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.








































