અમરેલી જિલ્લામાં જંગલોને પ્લાસ્ટિકમુક્ત રાખવા અને વન્યજીવોનું રક્ષણ કરવાના હેતુથી ઇકો અર્થ ફાઉન્ડેશન, કુસુમકલા ફાઉન્ડેશન અને ક્લીનઅપ અમરેલીના સ્વયંસેવકો દ્વારા જાગૃતિ અભિયાન યોજાયું હતું. દુધાળા-તુલસીશ્યામ ચેકપોસ્ટ અને ધારીના આંબરડી લાયન નેચરપાર્ક ખાતે આ અભિયાન હાથ ધરાયું હતું. તા. ૧૪ નવેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે ૯થી સાંજે ૫ વાગ્યા સુધી દુધાળા-તુલસીશ્યામ ચેકપોસ્ટ પર યોજાયેલા અભિયાન દરમિયાન ૩૦૦થી વધુ વાહનોમાં આવેલા ૧,૨૦૦થી વધુ પ્રવાસીઓને જંગલમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને વન્યજીવોને ખલેલ ન પહોંચાડવા સમજાવવામાં આવ્યા હતા. પ્રવાસીઓને વપરાયેલું પ્લાસ્ટિક જંગલમાં કે રસ્તા પર ફેંકવાને બદલે કપડાની થેલીમાં ભેગું કરી યોગ્ય જગ્યાએ નિકાલ કરવા થેલીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.









































