અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ફૂલઝર ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળસંચય અને ભૂગર્ભ જળ રિચાર્જ અંગે વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના મુખ્ય માર્ગદર્શક દિલીપભાઈ સખીયાએ ગ્રામજનોને જળસંચયની વૈજ્ઞાનિક અને પરંપરાગત પધ્ધતિઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. વરસાદી પાણીનો બગાડ અટકાવી ગામનું પાણી ગામમાં અને ખેતરનું પાણી ખેતરમાં રોકવા અપીલ કરી હતી. ચેકડેમ, બોરર્ચાજિંગ, ખેતતલાવડી તથા નદી-નાળા ઊંડા કરવાની કામગીરીનું મહત્વ સમજાવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા ૧,૧૧,૧૧૧ જળસંચયનાં કાર્યો કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે, જેમાં અત્યાર સુધી ૨૦ હજારથી વધુ સ્ટ્રક્ચર તૈયાર કરાયાં છે. કાર્યક્રમમાં સરપંચ બોડાભાઈ પદમાણી સહિત ગ્રામ આગેવાનો, ગ્રામજનો અને ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.