‘આર્ટ ઓફ લિવિંગ’ના પ્રણેતા રવિશંકરજીએ તા. ૯ નવેમ્બરના રોજ કાગવડ સ્થિત ખોડલધામ મંદિરની મુલાકાત લઈ માઁ ખોડલના દર્શન-અર્ચન કરી વિશ્વશાંતિ માટે પ્રાર્થના કરી હતી. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. દર્શન બાદ તેમણે મંદિરના શિખર પર ધ્વજારોહણ કર્યું હતું અને મંદિરના ભવ્ય સ્થાપત્ય, સ્વચ્છતા તેમજ સુચારું વ્યવસ્થાપનની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, સમાજની એકતાથી અન્ય સમાજને પ્રેરણા મળે છે અને દેશ આગળ વધે છે, જેમ સરદાર પટેલે રજવાડાઓને એક કર્યા હતા. વધુમાં તેમણે જીવનમાં આધ્યાત્મિકતા કેળવવા અને બાળકોને ધર્મ, શ્લોક તથા મંત્રોનું શિક્ષણ આપવા પર ભાર મૂક્યો હતો. આ અવસરે ટ્રસ્ટીઓ, સામાજિક અગ્રણીઓ અને આર્ટ ઓફ લિવિંગના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.