જંગલેશ્વર ડિમોલિશનના બિલ વિવાદનો મુદ્દે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જંગલેશ્વર બિલ કૌભાંડની તપાસ માટે બનાવવામાં આવેલી કમિટીનો રિપોર્ટ તૈયાર થઈ ગયો હોવા છતાં, હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આવા જ સમયે મનપા કમિશનર તુષાર સુમેરા ૧૦ દિવસની રજા પર ઉતરતા અનેક તર્ક-વિતર્કો શરૂ થયા છે.
મળતી માહિતી મુજબ, જંગલેશ્વરમાં ખોટા બિલ બનાવીને નાણાં ઉપાડવાના કૌભાંડની તપાસ માટે કમિશનર દ્વારા એક ખાસ તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ દિવાળી પહેલા જ પોતાનો રિપોર્ટ તૈયાર કરીને કમિશનરને સોંપી દીધો હતો. રિપોર્ટમાં કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓની ભૂમિકા શંકાસ્પદ હોવાનું સામે આવ્યું હોવાની ચર્ચા છે. પરંતુ દિવાળી ગયાને ઘણો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી આ રિપોર્ટ પર કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે અનેક સવાલો ઉભા થયા છે.
રાજકોટ મનપાના મ્યુનિસિપિલ કમિશનર તુષાર સુમેરા ૧૦ દિવસની રજા ઉપર છે. કમિશનરની આ અચાનક રજાએ રાજકીય ગરમાવો વધારી દીધો છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહે આ મુદ્દાને લઈને તંત્ર પર આકરા પ્રહાર કર્યા છે.
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહે આક્ષેપ કર્યો છે કે, ખોટા બિલ બનાવનારા ભ્રષ્ટ અધિકારીઓને કમિશનર દ્વારા છાવરવામાં આવી રહ્યા છે. તેમણે માંગ કરી છે કે તપાસ રિપોર્ટને તાત્કાલિક જાહેર કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
વધુમાં રાજદીપસિંહે એમ પણ જણાવ્યું હતું કે, રાજકોટમાં જંગલેશ્વરમાં ડિમોલિશન થયું, તેમાં કૌભાંડ થયા હોવાની બાદબાકીનો રિપોર્ટ તૈયાર કરવાનો હતો. તે રિપોર્ટ દિવાળી પહેલા આપી દેવાનો હતો, પરંતુ દિવાળી પણ જતી રહી અને હજી રિપોર્ટ કરવામાં નથી આવ્યો. આમાં અમને સ્પષ્ટ લાગે છે કે, મ્યુનિસિપલ મ્યુનિસિપલ કમિશનર દ્વારા અધિકારીઓને છાવરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવું અમને લાગી રહ્યું છે. જો આગામી દિવસોમાં વહેલી તકે રિપોર્ટ નહી આવે તો અમે આંદોલન પણ કરીશું.
બીજી તરફ મનપા તંત્રનું કહેવું છે કે, કમિશનરની રજા અગાઉથી નિર્ધારિત હતી અને તેને તપાસ રિપોર્ટ સાથે કોઈ લેવાદેવા નથી. રજા પરથી પરત આવ્યા બાદ રિપોર્ટનો અભ્યાસ કરીને નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
જંગલેશ્વર વિસ્તારમાં વિકાસ કામોના નામે ખોટા બિલ બનાવીને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ છે. આ કૌભાંડમાં નાના કર્મચારીથી લઈને ઉપલા અધિકારીઓ સુધીની સાંઠગાંઠ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તપાસ કમિટીએ સ્થળ તપાસ, બિલોની ચકાસણી અને નિવેદનોના આધારે રિપોર્ટ તૈયાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે.આ સમગ્ર મામલે તંત્રનો પક્ષ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કમિશનર રજા પર હોવાથી સત્તાવાર પ્રતિક્રિયા મળી શકી નથી.