રાજકોટની સરાઝા હોટલમાં યોજાયેલી હાઈપ્રોફાઈલ દારૂપાર્ટીના કેસમાં પોલીસની તપાસની દિશા અને કામગીરી સામે સવાલો ઊભા થયા છે. દારૂપાર્ટી મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આયોજક સહિત સંડોવાયેલા લોકોની પૂછપરછ તો કરી છે, પરંતુ દારૂ ક્યાંથી ખરીદવામાં આવ્યો હતો તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી સામે આવી નથી.
મળતી વિગતો મુજબ, દારૂપાર્ટી દરમિયાન મળી આવેલી દારૂની બોટલો વાઈન શોપમાંથી ખરીદવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જોકે, આ બોટલો રાજકોટની કઈ વાઈન શોપમાંથી ખરીદવામાં આવી હતી અને દારૂનું વેચાણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું તે દિશામાં તપાસનું પરિણામ હજુ જાહેર થયું નથી.
બીજી તરફ, આ દારૂપાર્ટીનું આયોજન સરાઝા હોટલમાં કરવામાં આવ્યું હોવા છતાં હોટલના સંચાલકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો મુદ્દો પણ ચર્ચામાં છે. હોટલમાં દારૂપાર્ટી યોજાઈ હોવા છતાં જવાબદારો સામે કાર્યવાહી કેમ કરવામાં આવી નથી તેવા સવાલો ઊઠી રહ્યા છે.
પોલીસે પાર્ટીના આયોજક સહિત અન્ય વ્યક્તિઓની પૂછપરછ કરી છે, પરંતુ દારૂના સ્ત્રોતથી લઈને હોટલની જવાબદારી સુધીના અનેક મુદ્દાઓ હજુ સ્પષ્ટ થવાના બાકી છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં દારૂ સપ્લાય કરનાર વાઈન શોપ સુધી પહોંચવામાં આવે છે કે કેમ અને સરાઝા હોટલના સંચાલકો સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ.
એ યાદ રહે કે રાજકોટના કાલાવડ રોડ પર આવેલી જાણીતી સરાઝા હોટલમાં બર્થડે પાર્ટીની આડમાં દારૂની મહેફિલ યોજાઈ હોવાના દાવા બાદ શહેરમાં ચર્ચા જાગી છે. સોશિયલ મીડિયા પર પાર્ટીનો કથિત વીડિયો વાયરલ થયા બાદ રાજકોટ ન્ઝ્રમ્ ઝોન-૨ની ટીમે હોટલમાં દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક વિગતો મુજબ દિવાળી પહેલાં ચિરાગ પટેલના જન્મદિવસ નિમિત્તે યોજાયેલી આ પાર્ટીમાં ૩૩ મહિલાઓ અને ૪૩ પુરુષો સહિત કુલ ૭૬ લોકો હાજર હોવાનું જાણવા મળ્યું છે.
આ પાર્ટીમાં રાજકોટ અને મોરબીના ૫૦થી વધુ નામાંકિત ઉદ્યોગપતિઓ તથા મોટા વેપારીઓ હાજર હોવાની ચર્ચા છે. આ ઉપરાંત, પાર્ટીનું જોડાણ જાણીતા ડેકોરા ગ્રુપ સાથે હોવાનો દાવો પણ સામે આવ્યો છે. જોકે, આ વિગતોની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે. હોટલના પા‹કગમાં મોંઘીદાટ લક્ઝરી કારનો જમાવડો પણ ચર્ચાનો વિષય બન્યો છે.







































