ગુજરાતમાં ગેસ સિલિન્ડર, ખાદ્યતેલ, દૂધ, પેટ્રોલ-ડીઝલ સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારાને લઈને મોંઘવારીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. વધતા ખર્ચને કારણે સામાન્ય પરિવારો, મધ્યમ વર્ગ અને ગૃહિણીઓનું ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે કર્યો છે. તેમણે મોંઘવારી સામે આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં જનઆંદોલન કરવાની અને રસ્તા પર ઊતરી વિરોધ કરવાની ચીમકી આપી છે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૪માં ભાજપે ૧૦૦ દિવસમાં મોંઘવારી ઘટાડવાનું વચન આપ્યું હતું. લોકોને મોંઘવારીમાંથી મુÂક્ત અપાવવાની વાતો કરીને મત મેળવવામાં આવ્યા હતા, પરંતુ ૧૨ વર્ષ બાદ પણ મોંઘવારી ઘટવાને બદલે વધી રહી હોવાનો તેમનો આક્ષેપ છે.
તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે એક તરફ સરકાર વિવિધ કવાયતો દ્વારા જનતા પાસેથી નાણાં વસૂલે છે, તો બીજી તરફ ઉત્સવો, તાયફાઓ અને રાજકીય કાર્યક્રમો પાછળ ખર્ચ કરે છે. ગેસ સિલિન્ડર, ખાદ્યતેલ , દૂધ, છાશ, પેટ્રોલ-ડીઝલ,સીએનજી અને પીએનજી સહિતની વસ્તુઓ મોંઘી થતાં સામાન્ય લોકો માટે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે.
કોંગ્રેસ પ્રમુખે ખાદ્યતેલના ભાવમાં થયેલા વધારાને લઈને પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, કોંગ્રેસની યુપીએ સરકારના સમયમાં ખાદ્યતેલના ભાવ આશરે રૂ.૧,૧૦૦થી રૂ.૧,૨૦૦ અને ગેસ સિલિન્ડરના ભાવ રૂ.૩૫૦થી રૂ.૪૦૦ હતા. તે સમયે ભાજપના નેતાઓ સિલિન્ડર સાથે મોંઘવારી સામે દેખાવો કરતા હતા.
તેમણે દાવો કર્યો હતો કે હાલમાં ગુજરાતમાં ખાદ્યતેલના ડબ્બાનો ભાવ રૂ.૩,૧૯૦ સુધી પહોંચી ગયો છે. તેલ મિલરો સાથેની મિલીભગત અને કરોડો રૂપિયાના ચૂંટણી ફંડના આક્ષેપો વચ્ચે ખાદ્યતેલના ભાવવધારા અંગે તેમણે સવાલો ઉઠાવ્યા હતા.
કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલા આંકડા મુજબ, પ્રાથમિક ચીજવસ્તુઓમાં મોંઘવારીનો દર સપ્ટેમ્બરમાં ૮.૬૭ ટકા હતો, જે ઓક્ટોબરમાં વધીને ૯.૨૪ ટકા થયો છે. ઈંધણ અને વીજળીનો દર ૨૫.૮૫ ટકાથી વધીને ૩૨.૮૪ ટકા થયો હોવાનું દર્શાવવામાં આવ્યું છે. ક્રૂડ પેટ્રોલિયમ અને નેચરલ ગેસમાં આ દર ૫૭.૩૨ ટકાથી વધીને ૭૦.૮ ટકા, જ્યારે વીજદરમાં ૦.૪૩ ટકાથી વધીને ૮.૦૬ ટકા નોંધાયો હોવાનું જણાવાયું છે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે સરકાર પાસે મોંઘવારીના કારણે પરેશાન સામાન્ય નાગરિકો, મધ્યમ વર્ગ અને ગૃહિણીઓને રાહત આપવાની માગ કરી છે. સાથે જ ભાવવધારા પાછળનાં કારણો અંગે સરકારે જવાબદારી સ્વીકારવી જાઈએ તેવી રજૂઆત કરી છે. આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં જનઆંદોલન કરી મોંઘવારી સામે ઉગ્ર વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.