“અરે વાહ! આ તો જલેબીની સુગંધ છે! હવે મારે જલેબી ખાવી જ પડશે! આજે તો જલેબી ખાધા વગર નહીં રહેવાય!” – ચાંદાએ સુગંધની દિશામાં જોતાં વિચાર્યું.
એક રાતે ચાંદો આકાશમાં ફરતો ને રમતો હતો. ફરતાં ફરતાં ગરમાગરમ જલેબીની સુગંધ એના નાક સુધી પહોંચી ગઈ. એને થયું, ‘લાવ ત્યારે, હવે હું નીચે જાઉં ને ગરમાગરમ મીઠી જલેબી ખાતો આવું.’
એમ વિચારી ચાંદાએ ધીમેથી આકાશમાંથી નીચે ઊતરવાનું નક્કી કર્યું. તે ધીમેધીમે નીચે સરકવા લાગ્યો અને બોલ્યો, “ચાલો ભાઈ, આજે જલેબીની મોજ કરીએ!”
તે ધીમે ધીમે નીચે આવવા લાગ્યો.
ત્યાં જ અચાનક…
ધડામ… સરરરરર… ફસ્સ્સ્સ!
ચાંદો લપસ્યો..!
“અરે રે રે! બચાવો! મારી જલેબી તો ગઈ!”
ચાંદો સરરર કરતાં સીધો એક ઝાડ ઉપર પડ્‌યો ને એક ડાળીએ લટકી ગયો. ડાળી ઉપર… નીચે… ઉપર… નીચે થવા લાગી. ચાંદો તો હિંચકે ઝૂલવા લાગ્યો!
“અરે ભાઈ! કોઈ તો મને ઉતારો! કોઈ તો મારી મદદ કરો! હું ચાંદો છું!”
અવાજ સાંભળી ઝાડ પર સૂતેલો બબલુ વાંદરો જાગી ગયો.
તેણે ઉપર જોયું અને તેની આંખો પહોળી થઈ ગઈ.
“અરે બાપ રે! આ ચાંદો આકાશમાંથી નીચે કેવી રીતે આવ્યો? અને આ અહીં ઝાડ પર હિંચકે કેમ ઝૂલે છે!”
બબલુ ખડખડાટ હસવા લાગ્યો, “કેમ, ચાંદાભાઈ, મજા આવે છે ને? અને તમે અહીં નીચે કેવી રીતે આવ્યા?”
ચાંદો બોલ્યો, “અરે બબલુ! કાંઈ મજા નથી આવતી! એક વાર આ ઝાડ પરથી મને નીચે ઉતાર, નહીં તો હું ચક્કર ખાઈને બેભાન થઈ જઈશ!”
બબલુ તરત જ ડાળી પર ચઢ્યો. તેણે ચાંદાને ધીમેથી ઝાડ પરથી નીચે ઉતાર્યા. પણ અચાનક હાથ છૂટ્યો અને ચાંદો પાછો સરરર કરતો ધબ્બ દઈને નીચે પડ્‌યો.
બબલુએ પૂછ્યું, “ચાંદાભાઈ, તમે અહીં નીચે શું કરવા આવ્યા એ તો કહો!”
ચાંદો શરમાઈને બોલ્યો, “ભાઈ બબલુ, તને શું કહું! હું આકાશમાં ફરતો હતો ને જલેબીની સુગંધ આવી. મને થયું લાવને થોડી જલેબી ખાતો આવું. એમ વિચારી હું આકાશમાંથી દોડ્‌યો ને લપસ્યો. તે સીધો આ ઝાડ પર આવીને પડ્‌યો ને અહીં લટક્યો!”
ચાંદાભા ની વાત સાંભળી બબલુ ખડખડાટ હસવા લાગ્યો અને બોલ્યો, “અરે વાહ! તો જલેબી ખાવા છેક આકાશમાંથી અહીં સુધી આવ્યા એમ! તમેય ખરા છો હોં ચાંદાભાઈ! પણ જલેબી તો મનેય બહુ ભાવે છે હોં! ચાલો ત્યારે, આપણે જલેબીની મોજ માણી જ લઈએ!”
બંનેએ ગરમાગરમ જલેબી ખાધી. ચાંદાએ એક જલેબી મોઢામાં મૂકી અને બોલ્યો, “વાહ! ગરમાગરમ મીઠી મીઠી જલેબી! મજા આવી ગઈ!”
બંનેએ મોજથી પેટ ભરીને જલેબી ખાધી. ચાંદો કહે, “ચાલ બબલુ, હવે હું જાઉં છું. નહીં તો પેલા તારલા મને શોધશે ને આખાય આકાશમાં અંધારું અંધારું થઈ જશે! હું ફરી જરૂર જલેબી ખાવા આવીશ!”
તેણે હાથ હલાવ્યો અને…
સરરર… સરરરપ સૂઉઉઉઉંપ કરતા સીધા આકાશમાં પહોંચી ગયા!
બબલુએ ઉપર જોઈને બૂમ પાડી, “ચાંદાભાઈ! ફરી આવો ત્યારે જરા ધીમેથી આવજો. પાછા તમે લપસી ન પડતા હોં!”
આ સાંભળીને ચાંદો ખડખડાટ હસ્યો.
અને તે રાતે ચાંદો થોડો વધારે જ ગોળમટોળ દેખાતો હતો! કારણ કે ભાઈએ, પેટ ભરીને જલેબી ખાધી હતી ને! ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭