લાઠી તાલુકાના અડતાળા ગામે પીવાના પાણીના પ્રશ્ને ઉગ્ર વિવાદ સર્જાયો હતો. ગ્રામ પંચાયત દ્વારા નિયમિત પાણી આપવામાં આવતું ન હોવાની ફરિયાદ સાથે ગ્રામજનો રજૂઆત કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન ઉપસરપંચે ઉશ્કેરાઈને ધોકા અને બંદૂક જેવાં હથિયારો વડે ગ્રામજનો પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં, ઉપસરપંચે બંદૂક બતાવી ગ્રામજનોને ડરાવવાનો પ્રયાસ કર્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે ગામમાં ભારે રોષ ફેલાયો હતો. બનાવ બાદ મોટી સંખ્યામાં ગ્રામજનો લાઠી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા અને જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ફરિયાદ બાદ પોલીસે મોડી સાંજે આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા.









































