લાઠી પ્રાંત કચેરી ખાતે લાઠી અને બાબરા તાલુકાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા અને પ્રાંત અધિકારી પારસ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન બંને તાલુકાના વિવિધ પ્રશ્નો, નાગરિકોની રજૂઆતો તેમજ પ્રગતિ હેઠળનાં વિકાસનાં કામો અંગે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ લોકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપી સમયમર્યાદામાં તેનો ઉકેલ લાવવા અધિકારીઓને સૂચના આપી હતી. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચે અને વિકાસનાં કામો ગુણવત્તા સાથે સમયસર પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં વહીવટી તંત્ર અને વિવિધ વિભાગો વચ્ચે સંકલન વધુ મજબૂત બનાવી લોકોની સમસ્યાઓનો ઝડપી નિકાલ કરવા ભાર મૂકવામાં આવ્યો હતો.