અમદાવાદની સેટેલાઈટ સ્કૂલ ફોર ચિલ્ડ્રનને શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ફરી કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને નિયામક પ્રાથમિક શાળાઓની કચેરીમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે ડીઇઓએ શાળા સંચાલન પાસેથી સુરક્ષા વ્યવસ્થા, માન્ય નકશો અને જમીનના આધાર પુરાવા સહિતની વિગતો માગી હતી. જોકે, શાળાએ સમયસર લેખિત જવાબ રજૂ ન કરતાં હવે વડી કચેરીમાં રિપોર્ટ કરવાની તૈયારી કરવામાં આવી છે.
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીના જણાવ્યા અનુસાર, નિયામક પ્રાથમિક શાળાઓની કચેરીમાં એક ફરિયાદીએ સેટેલાઈટ સ્કૂલ ફોર ચિલ્ડ્રન સામે બાળકોની સુરક્ષાને લગતા પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ ફરિયાદને ધ્યાનમાં રાખીને શાળા મેનેજમેન્ટને જરૂરી માહિતી રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી.
શાળા પાસે માન્ય નકશો, જમીનના આધાર પુરાવા અને બાળકોની સુરક્ષા માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ અંગે લેખિત માહિતી માગવામાં આવી હતી. જોકે, શાળા દ્વારા આ વિગતો રજૂ કરવામાં આવી ન હોવાથી ફરીથી કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.
ડીઇઓ રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, અગાઉ સૂચના આપવા છતાં શાળાએ જરૂરી માહિતી કેમ રજૂ કરી નથી તેનો ખુલાસો માગવામાં આવ્યો છે. આથી તાત્કાલિક તમામ વિગતો રજૂ કરવા માટે ફરી નોટિસ આપવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ પ્રી-સ્કૂલની નોંધણી થઈ ગઈ હોવાથી તે શિક્ષણ વિભાગના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે. તેથી એફઆરસી સહિતની જરૂરી વિગતો પણ શાળા પાસેથી માગી શકાય છે.
ડીઇઓના જણાવ્યા અનુસાર, જા શાળા સમયમર્યાદામાં જરૂરી વિગતો રજૂ નહીં કરે તો તેને શિક્ષણ વિભાગની સૂચનાઓનું અનાદર ગણવામાં આવશે. સાથે જ માન્યતાની શરતોનો ભંગ થયો છે કે કેમ તે મુદ્દે પણ કાર્યવાહી થઈ શકે છે. શાળા તરફથી સંતોષકારક જવાબ નહીં મળે તો વધુ નોટિસ આપીને સમગ્ર મામલે વડી કચેરીને રિપોર્ટ કરવામાં આવશે. ત્યારબાદ વડી કચેરી તરફથી મળતી સૂચના મુજબ શાળા સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.









































