મહુવા માર્કેટમાં મગફળીની હરાજીમાંથી પરત ફરી રહેલા યુવકને ગંભીર અકસ્માત નડતા તેનું કરુણ મોત નીપજ્યું છે. આ મામલે મૃતકના ભાઈ અતુલભાઈ બાબુભાઈ મકવાણાએ બાઈક ચાલક મિત્ર જયદીપસિંહ રાયસિંહ પરમાર વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.રાજુલાના નેસવડ ગામના રહેવાસી મુન્નાભાઈ બાબુભાઈ મકવાણા ગત તા.૧૬/૧૧/૨૦૨૬ ના રાત્રિના સમયે પોતાના મિત્ર જયદીપસિંહ પરમાર સાથે મહુવા માર્કેટ યાર્ડમાં મગફળીની હરાજીમાં ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે આરોપી જયદીપસિંહ પૂરઝડપે અને ગફલતભરી રીતે બાઈક ચલાવી રહ્યો હતો.
મેરીયાણા ખારી ગામ પાસેના રોડ પર વળાંક આવતા ચાલકે બાઈક પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બાઈક સ્લીપ થઈ ગયું હતું. પાછળ બેઠેલા મુન્નાભાઈને માથા, કમર અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.