ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં સગીરાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં અદાલતે કડક ચુકાદો આપ્યો છે. માત્ર ૧૬ વર્ષની સગીરાને લલચાવી-ફોસલાવીને અપહરણ કરવા અને ત્યારબાદ દુષ્કર્મ આચરવાના ગુનામાં સેશન્સ કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો છે. કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને રૂ.૨ લાખનો દંડ ફટકાર્યો છે.
આ કેસમાં આરોપી સંજય ઉર્ફે મિત ઉર્ફે પાસપોર્ટ ભુરાજી દોડીયાર સામેના પુરાવા અને દસ્તાવેજાને ધ્યાનમાં લઈને અદાલતે તેને કસૂરવાર ઠેરવ્યો હતો. પોક્સો એક્ટ હેઠળ ચાલેલા આ સંવેદનશીલ કેસમાં ન્યાયાધીશે આરોપીને કડક સજા ફટકારી છે, જેથી આવા ગુનેગારો સામે દાખલારૂપ સંદેશો જાય.
અદાલતે પોક્સો એક્ટની કલમ ૬ હેઠળ આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને રૂ.૧,૦૦,૦૦૦નો દંડ કર્યો છે. આ ઉપરાંત પોક્સો એક્ટની કલમ ૪ હેઠળ વધુ ૧૦ વર્ષની સખત કેદ અને રૂ.૧,૦૦,૦૦૦નો દંડ ફટકારાયો છે. જોકે અદાલતના આદેશ મુજબ તમામ સજાઓ એકસાથે ભોગવવાની રહેશે. આમ કુલ દંડની રકમ રૂ.૨ લાખ થાય છે.
આ ગુનો કલોલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયો હતો. વર્ષ ૨૦૨૬માં નોંધાયેલા આ મામલાની તપાસ દરમિયાન કલોલ પોલીસે પૂરતા પુરાવા એકત્ર કરી ચાર્જશીટ રજૂ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન આરોપી વારંવાર કોર્ટમાં ગેરહાજર રહેતો હતો, છતાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને અદાલતે ચુકાદો આપ્યો છે.