ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને એડવોકેટ દિનેશભાઈ સી. વોરાએ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી જનરલ બોર્ડની બેઠકમાં સામાન્ય નાગરિકોને હાજર રહેવાની મંજૂરી આપવા માંગ કરી છે. તેમણે ગુજરાત નગરપાલિકા અધિનિયમ, ૧૯૬૩ની કલમ ૫૧(૬)નો ઉલ્લેખ કરી બેઠકમાં નાગરિકોની ભાગીદારી જરૂરી ગણાવી છે.તેમણે જણાવ્યું કે અગાઉ કોંગ્રેસના શાસનમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોને આમંત્રિત કરાતા હતા, જ્યારે વર્તમાન ભાજપ શાસનમાં પત્રકારોને પણ બેઠકથી દૂર રાખવામાં આવે છે. બેઠકની તારીખ, સમય અને સ્થળની અગાઉથી જાહેર જાણ કરવા તથા બંધ બારણે બેઠક યોજવાના કાયદાકીય કારણો સ્પષ્ટ કરવાની માંગ કરી છે. નગરપાલિકા જનતાના કરવેરાથી ચાલતી સંસ્થા હોવાથી પારદર્શિતા અનિવાર્ય હોવાનું તેમણે જણાવ્યું હતુ.








































