અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) હવે સોશિયલ મીડિયા મારફતે પોતાની કામગીરીનો પ્રચાર-પ્રસાર કરવા કરોડો રૂપિયા ખર્ચવાની તૈયારી કરી રહ્યું છે. મ્યુનિ. તંત્રના ઇસ્ટાગ્રામ,ફેસબુક એકસ અને યુટયુબ એકાઉન્ટને વધુ સક્રિય બનાવવા તેમજ યુવા વર્ગ સુધી પહોંચવા માટે એજન્સીની નિમણૂક કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ કામગીરી પાછળ બે વર્ષમાં જીએસટી સહિતનો ખર્ચ અલગ રાખીને અંદાજે ૨.૧૬ કરોડ ખર્ચવાની યોજના છે.
એએમસી દ્વારા સોશિયલ મીડિયા મેનેજમેન્ટ અને ડિજિટલ પ્રચાર માટે બે વર્ષના કોન્ટ્રાક્ટની દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ મૂકવામાં આવી છે. આ કામગીરી ‘ઈવીએમ કન્સલ્ટન્સી’ને સોંપવાની યોજના છે. એજન્સી મ્યુનિ.ના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ, વીડિયો અને રીલ્સ તૈયાર કરીને મૂકશે, જેથી કોર્પોરેશનના ફોલોઅર્સ વધે અને તેની કામગીરી વધુ લોકો સુધી પહોંચે.
આ દરખાસ્તને લઈને ખર્ચમાં થયેલો વધારો પણ ચર્ચાનો વિષય બન્યો છે. થોડા મહિના અગાઉ સોશિયલ મીડિયા મેનેજમેન્ટ માટે વાર્ષિક ૬૦થી ૭૦ લાખનો અંદાજ રાખવામાં આવ્યો હતો. જોકે, તે સમયે કોઈ એજન્સી કામ કરવા તૈયાર ન થતાં રિ-ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હવે નવા ટેન્ડર બાદ વાર્ષિક ખર્ચ વધારીને ૧.૦૮ કરોડ કરવામાં આવ્યો છે. બે વર્ષનો કુલ ખર્ચ ૨.૧૬ કરોડ થશે, જ્યારે જીએસટી અલગથી ચૂકવવાનો રહેશે.
નવી વ્યવસ્થા હેઠળ એજન્સીએ એએમસીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દરરોજ ઓછામાં ઓછી ત્રણ પોસ્ટ અથવા રીલ મૂકવાની રહેશે. તેમાં મ્યુનિ.ની વિકાસ કામગીરી, વિવિધ પ્રોજેક્ટ, નાગરિક સુવિધાઓ અને અન્ય પ્રવૃત્તિઓને ડિજિટલ માધ્યમથી રજૂ કરવામાં આવશે. યુવા પેઢી ખાસ કરીને ય્ીહ ઢ સુધી પહોંચવા માટે વીડિયો અને રીલ્સ આધારિત પ્રચાર પર ભાર મૂકવામાં આવશે.
અત્યાર સુધી એએમસી દ્વારા મોટા હો‹ડગ્સ, બેનરો અને પત્રિકાઓ મારફતે પ્રચાર કરવામાં આવતો હતો. હવે ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા વધુ અસરકારક માધ્યમ બન્યું હોવાથી કોર્પોરેશન પણ ઓનલાઈન પ્રચાર તરફ વળી રહ્યું છે. જોકે, જાહેર નાણાંમાંથી આટલો મોટો ખર્ચ સોશિયલ મીડિયા પ્રચાર પાછળ કરવામાં આવનાર હોવાથી દરખાસ્ત ચર્ચામાં આવી છે.









































