દુનિયાભરમાં જેના નામનો ડંકો વાગે છે… જેના અવાજ પર લાખો ચાહકો ઝૂમી ઉઠે છે… અને જેના લાઈવ કોન્સર્ટમાં ટિકિટ મેળવવી પણ એક પડકાર બની જાય છે… એવા પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંઝ હવે ગુજરાતના મહેમાન બન્યા છે…એક તરફ ગિરનારથી લઈને ગીરના જંગલો સુધી દિલજીત ગુજરાતની કુદરતી સુંદરતા અને મહેમાનગતિના વખાણ કરી રહ્યા છે… તો બીજી તરફ અમદાવાદમાં યોજાનારા તેમના મેગા કોન્સર્ટ પહેલાં વિવાદો અને નિયમોના પાલનને લઈને સવાલો ઊભા થયા છ
દિલજીત દોસાંઝ… નામ જ કાફી છે…દુનિયાના અનેક દેશોમાં પોતાના સંગીતનો જાદુ પાથરનાર આ કલાકારના ચાહકોની સંખ્યા લાખોમાં નહીં, કરોડોમાં છે… જ્યાં દિલજીતનો લાઈવ શો હોય ત્યાં ચાહકોનો મહાસાગર ઉમટી પડે છે… અને હવે આ જ સંગીતનો જાદુ અમદાવાદમાં જોવા મળશે…
આગામી ૨૧ નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલજીત દોસાંઝનો મેગા લાઈવ કોન્સર્ટ યોજાવાનો છે… જેને લઈને ગુજરાતના સંગીતપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પરફોર્મન્સ આપે તે પહેલાં દિલજીત ગુજરાતની ધરતીને માણી રહ્યા છે…ક્યારેક ગિરનારની ઊંચાઈઓ પર તો ક્યારેક સૌરાષ્ટ્રની મહેમાનગતિ વચ્ચે… દિલજીત ગુજરાતના પ્રવાસન સ્થળોની સફરે નીકળ્યા છે.
ગઢ ગિરનારની ભવ્યતા જોઈ દિલજીત તેના વખાણ કરતાં પણ જોવા મળ્યા… સૌરાષ્ટ્રના પરંપરાગત ગુજરાતી વ્યંજનોનો સ્વાદ માણ્યો… તો વિશ્વભરમાં એશિયાટિક સિંહોના એકમાત્ર કુદરતી નિવાસસ્થાન એવા ગીરના જંગલોમાં સફર કરીને સિંહદર્શનનો રોમાંચ પણ અનુભવ્યો…દિલજીતના આ ગુજરાત પ્રવાસને રાજ્યના નાયબ મુખ્યમંત્રીથી લઈને પ્રવાસન વિભાગે પણ આવકાર્યો છે…
જાકે, દિલજીતના આ પ્રવાસની ચર્ચા વચ્ચે તેમના અમદાવાદ કોન્સર્ટને લઈને વિવાદના સૂર પણ સંભળાઈ રહ્યા છે. બાળ સુરક્ષા યુનિટે અમદાવાદ પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. પત્રમાં માગ છે કે ગુજરાતમાં દારૂબંધી હોવાથી નશાને પ્રોત્સાહન આપતા ગીતો ન ગવાય. પટિયાલા પેગ, ૫ તારા જેવા ગીતો ન ગાવા માટે કહેવાયું છે. સાથે જ હથિયારોને પ્રોત્સાહન ન મળે તે માટે દિલજીત સ્ટેજ પર બુલેટ બેલ્ટ ન પહેરે અને કોઈ પણ બાળકને સ્ટેજ પર ન બોલાવાય, એવી પણ રજૂઆત છે.
બાળ સુરક્ષા યુનિટી શું કરી માંગ?
નશાને પ્રોત્સાહન આપતા ગીતો ન ગવાય,પટિયાલા પેગ, ૫ તારા જેવા ગીતો ન ગાવા ,હથિયારોને પ્રોત્સાહન ન મળે ,દિલજીત સ્ટેજ પર બુલેટ બેલ્ટ ન પહેરે કોઈ પણ બાળકને સ્ટેજ પર ન બોલાવાય બીજી તરફ, દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તૈયારીઓ સામે પણ સવાલ ઉઠ્યા છે. આરોપ છે કે તંત્રની પૂર્વ મંજૂરી વગર જ કોન્સર્ટ માટેનું વિશાળ હંગામી સ્ટ્રક્ચર ઊભું કરવાનું કામ શરૂ કરી દેવાયું. ફાયર વિભાગના નિયમો અને આઇએસ ૮૭૫૮ ના ધોરણો મુજબ, ફાયર એનઓસી વિના હંગામી બાંધકામ થઈ શકતું નથી.
એક તરફ દિલજીતના ગીતોનો જાદુ… બીજી તરફ ગુજરાતની મહેમાનગતિનો અનુભવ… અને ત્રીજી તરફ કોન્સર્ટ પહેલાં મંજૂરી તથા નિયમોના પાલનના સવાલો…હવે જોવાનું એ રહેશે કે તમામ જરૂરી મંજૂરીઓ અને વ્યવસ્થાઓ પૂર્ણ થયા બાદ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલજીત દોસાંઝનો આ મેગા મ્યુઝિકલ શો કેવો રંગ જમાવે છે.









































