રાજુલા તાલુકાના ભચાદર ગામથી દેવકા ગામ જતા ગાડામાર્ગ પર પીપાવાવ–સુરેન્દ્રનગર રેલ્વે લાઈનનું ફાટક નં. ૧૨ આવેલું છે, જે રાત્રિના સમયે બંધ કરી દેવાય છે. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર અને અપરાધ વિરોધ સંગઠનના અમરેલી પ્રમુખ લાલભાઈ વાઘે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાવનગર વેસ્ટર્ન રેલ્વેના ડી.આર.એમ.ને પત્ર લખ્યો છે. પત્રમાં જણાવાયું છે કે ભચાદર અને કડીયાળીના ખેડૂતોની ૩૦૦૦ વીઘાથી વધુ જમીન આ માર્ગ પર છે. ફાટક બંધ હોવાથી ખેડૂતોને રાત્રિરોકાણ ખેતરમાં કરવું પડે છે, જ્યાં હિંસક જનાવરોની અવરજવરથી જીવનું જોખમ રહે છે. અનેક રજૂઆતો છતાં ઉકેલ ન આવતાં ફાટક ૨૪ કલાક ખુલ્લું રાખવા માંગ કરાઈ છે. જો ઉકેલ નહીં આવે તો ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી છે.







































