શાપરમાં સુહાની એન્જિનિયરિંગ નામના કારખાનાની છત ઉપર મૂળ બિહારના ગુડ્ડુ બાલકદાસ મહતો (ઉ.વ.૨૮)ની તેની સાથે જ કમ કરતા મૂળ બિહારના ધીરજ ભલન તાંતીએ હત્યા કરી નાખી હતી. બંનેએ દારૂની મહેફીલ માણ્યા બાદ કોઇ કારણોસર ઝઘડો થતા આ ઘટના બની હતી.
શાપર પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી હતી. મૃતક અને આરોપી બંને એક જ કારખાનામાં કામ કરતા હતા. કારખાનાની ઉપર આવેલી ઓરડીઓમાં રહેતા હતા. ગઇકાલે સાંજે બંનેએ દારૂની મહેફીલ માણ્યા બાદ કોઇ કારણસર ઝઘડો થતાં મારામારી થઇ હતી. જે દરમિયાન આરોપીએ મૃતકને તવા અને લાકડાના ઘા ઝીકી પતાવી દીધો હતો. આરોપીને પણ સામાન્ય ઇજા થઇ હતી. મૃતક લોહીલોહાણ હાલતમાં મળી આવતા શાપરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યો હતો.
શાપર પોલીસે મૃતકના કૌટુંબિક ભાઈ બહાદુર મહતોની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધ્યો હતો. મૃતકને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. તેની પત્ની ચારેક દિવસ પહેલા જ સંતાનો સાથે લગ્ન પ્રસંગમાં બિહાર ગયા બાદ આ ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે શાપરમાં પરપ્રાંતિય મજૂરો વચ્ચે આ રીતે મારામારી અને હત્યાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઇ છે. આ કિસ્સામાં મૃતક અને આરોપી વચ્ચે ખરેખર ક્યા કારણસર ઝઘડો થયો હતો તે દિશામાં ઇન્ચાર્જ પીઆઈ આઇ.એમ. સરવૈયાએ તપાસ શરૂ કરી છે.