શહેરની શ્રમજીવી સોસાયટી નજીક આવેલી સરકારી આવાસ યોજનાના મકાનો નિયમ વિરુદ્ધ વેચી દેવામાં આવ્યા હોવાનું, ભાડે આપી દેવામાં આવ્યા હોવાનું, તેમજ બેવડો લાભ લેવાયો હોવાનું ધ્યાને આવતા પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર દ્વારા સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જિલ્લા સ્વાગત કાર્યક્રમના પ્રશ્નના નિરાકરણ ભાગરૂપે હાથ ધરાયેલી આ ઝુંબેશમાં તંત્રએ ૬ આવાસો પરત મેળવી સીલ કર્યા હતા, જ્યારે કામગીરી દરમિયાન સ્થાનિક રહીશોના ટોળા એકઠા થઈને વિરોધ નોંધાવતા પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસ બંદોબસ્ત બોલાવવાની ફરજ પડી હતી.
પાટણ શહેરમાં શ્રમજીવી વિસ્તારમાં આવેલી સરકારી આવાસ યોજનાના મકાનોમાં ગેરરીતિ થઈ હોવાની વિગતો નગરપાલિકા તંત્રના ધ્યાને આવી હતી. આ અંગે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે જણાવ્યું હતું કે, જિલ્લા સ્વાગત કાર્યક્રમના પ્રશ્નના નિરાકરણ ભાગરૂપે નગરપાલિકા દ્વારા શ્રમજીવી વિસ્તારમાં સરકારી આવાસોના દુરુપયોગ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે લાભાર્થીઓએ સરકારી આવાસ મેળવ્યા બાદ તેને ગેરકાયદેસર રીતે ભાડે આપી દીધા હોય, વેચાણ કરી દીધા હોય અથવા અન્ય કોઈ સરકારી યોજનાનો બેવડો લાભ લીધો હોય, તેવા આવાસો પરત લેવાની અને સીલ કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
નગરપાલિકા તંત્ર પાસે નિયમભંગ કરતા આવા કુલ ૧૪ આવાસોની યાદી તૈયાર હતી, જેના આધારે ચીફ ઓફિસર હિરલ ઠાકર સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને નિયમ વિરુદ્ધ ઉપયોગમાં લેવાતા મકાનોને સીલ મારવાની તેમજ વીજ કનેક્શન કાપવા સહિતની કડક કાર્યવાહી શરૂ કરી હતી. સવારના સત્ર દરમિયાન તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરીને ૬ આવાસો પરત મેળવી સીલ કરવામાં આવ્યા હતા, જ્યારે બાકી રહેતા આવાસો પર આગામી સેશનમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, યાદીમાં સમાવિષ્ટ ૨ કિસ્સાઓ સ્થળ તપાસ દરમિયાન યોગ્ય જણાયા હતા, જેમાં મૂળ લાભાર્થી માતા-પિતાના અવસાન બાદ તેમના સંતાનો પોતે જ ત્યાં વસવાટ કરતા હોવાની ખાતરી થતાં તે મિલકતો સીલ કરવામાં આવી નથી.
નગરપાલિકાની ટીમ દ્વારા મકાનોને સીલ મારવાની કામગીરી શરૂ કરવામાં આવતા જ આવાસ યોજનાના સ્થાનિક રહીશોમાં રોષ ફેલાયો હતો અને મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. મહિલાઓ અને પુરુષો સહિતના સ્થાનિકોએ નગરપાલિકાની આ કાર્યવાહી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને ચીફ ઓફિસર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થળ પર એકઠા થયેલા ટોળા અને તંત્ર વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાતા માહોલ ગરમાયો હતો. પરિસ્થિતિ વધુ વણસે નહીં અને સમગ્ર વિસ્તારમાં કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિજળવાઈ રહે તે હેતુથી ચીફ ઓફિસર દ્વારા તાત્કાલિક પોલીસ વિભાગને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને ટોળાને સમજાવવા તેમજ પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાની કામગીરી હાથ ધરી હતી.








































