ખાદુર સાહિબના સાંસદ અમૃતપાલ સિંહના દાદી, ચરણ કૌરનો શનિવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. ત્રણ કલાકના પેરોલ પર રહેલા અમૃતપાલ સિંહે તેમની દાદીને અંતિમ શ્રદ્ધાંજલિ આપી. લાંબા સમય પછી પરિવાર સાથે ફરી મળેલા અમૃતપાલ સિંહ, દાદીને છેલ્લી વાર જાઈને ભાવુક થઈ ગયા. પરિવારના સભ્યો અને સંબંધીઓએ ચરણ કૌરને અશ્રુભીની વિદાય આપી.
આ દરમિયાન તેમના સમર્થકોની મોટી ભીડ એકઠી થઈ. અમૃતપાલે હાથ જાડીને બધાનું સ્વાગત કર્યું. આ દરમિયાન કડક સુરક્ષા ઘેરો રાખવામાં આવ્યો હતો. સાંસદને બપોરે ૩ વાગ્યા સુધી પેરોલ આપવામાં આવ્યો છે.
અમૃતપાલ સિંહને આસામની ડિબ્રુગઢ જેલમાંથી પંજાબ લાવવામાં આવ્યા હતા. તેમની ફ્લાઇટ શનિવારે સવારે શ્રી ગુરુ રામદાસ જી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પહોંચી હતી. ત્યારબાદ તેમને કડક સુરક્ષા હેઠળ તેમના વતન ગામ જલ્લુપુર ખેડા લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની દાદીના અંતિમ સંસ્કારની તૈયારીઓ કરવામાં આવી હતી. પરિવારના સભ્યો, સંબંધીઓ અને મોટી સંખ્યામાં સમર્થકોએ અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી અને ચરણ કૌરને શ્રદ્ધાંજલિ આપી હતી.
અમૃતપાલ સિંહના પેરોલ દરમિયાન સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કોર્ટે પોલીસ અને સરકારને ખાસ સત્તાઓ આપી છે. આદેશ અનુસાર, જા અંતિમ સંસ્કાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા બગડે છે અથવા કોઈ અનિચ્છનીય ઘટના બને છે, તો પોલીસ તેમને તાત્કાલિક અંતિમ સંસ્કાર સ્થળ પરથી દૂર કરી શકે છે.
સાંસદ અમૃતપાલ સિંહના દાદીના અંતિમ સંસ્કારની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. સાંસદના પિતા તરસેમ સિંહ આજે સવારે તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે અંતિમ સંસ્કાર સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું અને કાર્યક્રમનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા માટે આયોજકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મોહાલી જિલ્લા પ્રમુખ કુલદીપ સિંહ સરચંડીએ જણાવ્યું હતું કે આજનો દિવસ ખૂબ જ ભાવનાત્મક છે. જ્યારે પરિવાર શોકમાં છે, ત્યારે અમૃતપાલ સિંહ લાંબા સમય પછી પોતાના પરિવાર પાસે પાછા ફર્યા છે.
પેરોલ દરમિયાન વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલી કડક શરતો પર નારાજગી વ્યક્ત કરતા સરચંડીએ કહ્યું હતું કે અમૃતપાલ સિંહને કોઈને બોલવાની કે મળવાની મંજૂરી આપવામાં આવી ન હતી. તેમણે આને શીખ સમુદાયનું અપમાન ગણાવ્યું હતું અને આરોપ લગાવ્યો હતો કે સરકાર તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે.