જૂનાગઢના ગરવા ગિરનારની ગોદમાં લીલી પરિક્રમા ભક્તિ અને શ્રધ્ધાભેર યોજાઈ રહી છે. કારતક સુદ અગિયારસથી દેવદિવાળી સુધી યોજાતી ૩૬ કિલોમીટરની આ પદયાત્રામાં લાખો શ્રધ્ધાળુઓ જોડાય છે. પરિક્રમા માર્ગે સેવાભાવી સંસ્થાઓ અને ગ્રામજનો દ્વારા યાત્રાળુઓ માટે ભોજન, ચા-પાણીની સેવા કરવામાં આવે છે.
આ સેવા પરંપરામાં ઉના તાલુકાના ખાપટ ગામે સંત શિરોમણી પરસોત્તમ ગીરી બાપુ (કપાસી બાપુ)ના આશ્રમ પરિવારના યુવાનો પણ છેલ્લા ૧૨થી ૧૩ વર્ષથી જોડાયેલા છે. પૂજ્ય ગુરુદેવ પ્રત્યેની ભક્તિભાવનાથી યુવાનો ગિરનાર પરિક્રમા માર્ગ પર ચા-પ્રસાદની સેવા આપી રહ્યા છે. આ વર્ષે પ્રસાદમાં ગાંઠિયા અને ફરાળી ચેવડાનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. યુવાનોની આ સેવાકીય પ્રવૃત્તિને શ્રધ્ધાળુઓ તરફથી બિરદાવવામાં આવી રહી છે. આશ્રમ પરિવારના સ્વયંસેવકોને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.