ભાયાવદરથી સુરત જતી રામરાજ ટ્રાવેલ્સની ખાનગી બસને ભરૂચ નજીક ટેન્કર સાથે અકસ્માત નડતા બે વ્યક્તિના મોત થયા હતા, જ્યારે ૩૦ જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. ધોરાજીના સંતકૃપા ટ્રાવેલ્સના સંચાલક દીપસિંહ ચુડાસમાએ આ અંગે માહિતી આપી હતી. અકસ્માતમાં કાથરોટા ગામના રમેશભાઈ અને
પાનેલી ગામના નવીનભાઈનું મોત થયાનું જાણવા મળ્યું છે. બસમાં સવાર મુસાફરો સુરત ખાતે લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા. જેમાં પુરુષો ઉપરાંત મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ હતો. અકસ્માતમાં મહિલાઓ અને બાળકોને પણ ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ બનાવ અંગે સરકારી તંત્ર તરફથી હજુ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી.








































