રાજકોટ જિલ્લામાં નશાના કારોબાર સામે રાજકોટ ગ્રામ્ય એસઓજી(સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ની ટીમે એક ઐતિહાસિક અને મોટી સફળતા મેળવી છે. વિંછીયા તાલુકાના ઝરડા ગામની સીમ વિસ્તારમાંથી પોલીસે અંદાજે ૭૦૫ કિલોગ્રામ ૪૯૦ ગ્રામ જેટલો વિપુલ પ્રમાણમાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. જપ્ત કરાયેલા આ વિદેશી અને દેશી નશાના જથ્થાની બજાર કિંમત રૂ. ૩,૫૨,૭૪,૫૦૦ (રૂ. ૩ કરોડ ૫૨ લાખ ૭૪ હજાર ૫૦૦) આંકવામાં આવી છે, જેનાથી સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, રાજકોટ રેન્જ ડીઆઇજી નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન અને સૂચના હેઠળ એસઓજી રાજકોટ ગ્રામ્યની ટીમ નશાના કારોબાર સામે સઘન તપાસ કરી રહી હતી. આ દરમિયાન બાતમીના આધારે વિંછીયા તાલુકાના ઝરડા ગામની સીમમાં આવેલી એક વાડી પર દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આરોપી દ્વારા પોતાની વાડીની અંદર જ છુપાઈને ગાંજાના છોડનું મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું હતું.
પોલીસે સ્થળ પરથી રૂ. ૩,૫૨,૭૪,૫૦૦ ની કિંમતનો કુલ ૭૦૫ કિલોગ્રામથી વધુનો ગાંજા જપ્ત કર્યો છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા ૫૫ વર્ષીય સવશીભાઈ બચુભાઈ મીઠાપરાની પોલીસે સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની સખ્ત કાર્યવાહી હાથ ધરવા માટે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકોટ ગ્રામ્ય પોલીસની આ સરાહનીય કામગીરીથી ડ્રગ્સ અને નશાના કારોબાર સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આ ગાંજા ક્યા-ક્યા સપ્લાય કરવામાં આવતો હતો અને આ નેટવર્ક પાછળ અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.








































