ખાંભા તાલુકાના રાણીંગપરા ગામે ગુજરાત કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિરેન હીરપરાની ઉપસ્થિતિમાં ખેડૂતો સાથે સીધો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાણીંગપરા સહિત આસપાસના ગામોના મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. બેઠકમાં ખેતીને વધુ નફાકારક, આધુનિક અને ટકાઉ બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. હિરેન હીરપરાએ ખેડૂતોને સરકાર દ્વારા ખેતીવાડી ક્ષેત્રે આપવામાં આવતી વિવિધ સહાય, સબસિડી, કૃષિ સાધનો પર મળતા લાભો તેમજ સિંચાઈ યોજનાઓની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જાણકારીના અભાવે કોઈ ખેડૂત સરકારી યોજનાઓના લાભથી વંચિત ન રહે તે માટે ગામડાંઓમાં જાગૃતિ લાવવી જરૂરી છે.








































