રાજુલા તાલુકાના ઝાંપોદર ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત દાનાભાઈ લાડુમોરના ખેતરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે આંબા, વિવિધ ફળો અને શાકભાજીના પાકનું નિરીક્ષણ કરી ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. જિલ્લા પ્રભારી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા અને રાજુલાના ધારાસભ્ય હિરા સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલે ખેડૂતોને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ છોડીને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા અને ખોરાકની ગુણવત્તા પર વિપરીત અસર થાય છે. આ પ્રસંગે કૃષિ વૈજ્ઞાનિકોએ જીવામૃત અને ધનજીવામૃત બનાવવાની પદ્ધતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ સહિત અધિકારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.







































