કોડીનાર પંથક કુદરતી સૌંદર્ય અને દરિયાઈ વિસ્તારની આગવી ઓળખ ધરાવે છે. શિયાળાની શરૂઆત થતાં જ અહીંના દરિયાકાંઠા અને જળાશયો વિદેશી યાયાવર પક્ષીઓના કલરવથી ગુંજી ઊઠ્યા છે.ખાસ કરીને સોડવ અને બરડા બંધારા સહિતના જળાશયો હાલ વિદેશી પક્ષીઓ માટે મનપસંદ આશ્રયસ્થાન બન્યા છે. લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓનું આગમન થતાં સ્થાનિક પક્ષીપ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સાઇબેરિયા, મધ્ય યુરોપ, મંગોલિયા સહિતના ઠંડા પ્રદેશોમાંથી હજારો કિલોમીટરનું અંતર કાપીને યાયાવર પક્ષીઓ પંથકમાં આવી પહોંચ્યાં છે. આ પક્ષીઓ અહીં અનુકૂળ વાતાવરણમાં અંદાજે ચાર મહિના સુધી રોકાણ કરી શિયાળો વિતાવે છે. સોડવ અને બરડા બંધારા ખાતે વહેલી સવારથી જ પક્ષીઓના કલરવ અને પાણીમાં વિહરતાં પક્ષીઓનાં ટોળાં મનમોહક દૃશ્યો સર્જી રહ્યાં છે.
કોડીનાર પંથકમાં આવેલા જળાશયોમાં પેલિકન, ફ્લેમિંગો, કુંજ, કોમન ક્રેન અને સોવલર સહિતની વિવિધ પ્રજાતિઓ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે.







































