અમદાવાદ શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસ કમિશનરના આદેશ બાદ ઝોન-૭ પોલીસે ડ્રગ્સ વિરુદ્ધ મેગા ડ્રાઈવમાં એક મોટી સફળતા મેળવી છે. “નો ડ્રગ્સ ઇન અમદાવાદ સિટી” અભિયાન અંતર્ગત બોડકદેવ અને સરખેજ વિસ્તારમાં પોલીસે દરોડા પાડીને ગાંજાના જથ્થા સાથે એક મહિલા સહિત બે શખ્સોને ઝડપી લીધા છે. આશ્ચર્યની વાત એ છે કે રેડ દરમિયાન ડ્રગ્સના વેચાણની શંકાસ્પદ રૂ. ૫૩ લાખથી વધુની રોકડ રકમ પણ મળી આવી છે, જ્યારે આરોપી દંપતી સામે અગાઉથી જ ડઝનબંધ ગુનાઓ પણ નોંધાયેલા છે અમદાવાદ શહેરમાં યુવાધનને બરબાદ કરવાના કાળા કારોબારમાં સંડોવાયેલા બુટલેગરો અને ડ્રગ્સ પેડલરો સામે હવે પોલીસ વિભાગે સકંજા વધુ કડક બનાવ્યો છે. ઝોન-૭ એલસીબી, બોડકદેવ અને સરખેજ પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા સંયુક્ત ઓપરેશન ચલાવીને એનડીપીએસ એક્ટ હેઠળ બે મોટા કેસ શોધી કાઢવામાં આવ્યા છે. સરખેજ વિસ્તારમાં ચાલતા આ રેકેટમાંથી માત્ર ડ્રગ્સ જ નહીં, પરંતુ શંકાસ્પદ રૂ. ૫૩ લાખથી વધુની રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે જેને લઈ ને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
બોડકદેવ પોલીસે પકડ્યો ગાંજાનો જથ્થો અને સરખેજ સુધી લંબાઈ કડીઓ કઈ રીતે ગાંજા ના બે કેસ અને રોકડ ૫૩ લાખ પકડાય ચાલો એ વિગતે સમજીએ. આગામી દિવસો અને તહેવારોને ધ્યાનમાં રાખીને ઝોન-૭ વિસ્તારમાં પોલીસ સતત પેટ્રોલિંગ અને વોચમાં હતી. બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એલસીબી ઝોન-૭ અને સ્થાનિક પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે પોલીસે રેડ કરીને રાજુ મંગાજી ભીલ જેની ઉમર માત્ર ૨૩ વર્ષ છે અને જે મૂળ ડૂંગરપુર, રાજસ્થાનનો રહેવાસી છે ઝડપી લીધો હતો. બોડકદેવ અને ઝોન ૭ પોલીસે તેની પાસેથી ૧૩૧ ગ્રામ ૨૨૦ મિલીગ્રામ ગાંજા જેની કિંમત રૂ. ૬,૫૬૧ થવા પામી હતી. આ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. જ્યારે આ ઝડપાયેલા શખ્સની ઊંડી પૂછપરછ કરવામાં આવી, ત્યારે તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે આ ગાંજાનો જથ્થો તેણે સરખેજ વિસ્તારની સુનિતા રાઠોડ નામની મહિલા પાસેથી મેળવ્યો હતો. આ માહિતી મળતા જ સરખેજ પોલીસ પણ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી અને ઝોન-૭ એલસીબી સાથે મળીને સરખેજ ખાતે રહેતી સુનીતા રાઠોડના ઘરે દરોડા પાડ્યા હતા.
સરખેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા કૈલાસ તળાવ, સન્યાસ આશ્રમ પાસે આવેલી મકાન નંબર ૨૩૩ પર દરોડો પાડીને પોલીસે સુનિતા દીપકકુમાર રાઠોડ નામનની મહિલા આરોપીને દબોચી લીધી હતી. આ રેડ દરમિયાન પોલીસે ચોંકી ઊઠવું પડ્યું કારણ કે ત્યાંથી ૨ કિલો ૧૭૪ ગ્રામ ગેરકાયદેસર ગાંજાનો જથ્થો જેની કિંમત રૂ. ૧,૦૮,૭૦૦ ઉપરાંત રૂપિયા ૫૩,૫૧,૧૦૦ની રોકડ રકમ મળી આવી હતી. આમ સરખેજ પોલીસે મહિલા આરોપી સુનિતા રાઠોડના ઘરેથી કુલ રૂ ૫૪,૫૯,૮૦૦ નો મસમોટો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ત્યારે સરખેજ દ્વારા પકડાયેલા મહિલા આરોપી સુનિતાની પૂછપરછ કરાઈ ત્યારે તે આટલી મોટી રોકડ રકમ અંગે કોઈ જ સંતોષકારક જવાબ આપી શકી નહોતી, જેના કારણે પોલીસનું શંકા વધુ મજબૂત થઈ છે. ત્યારે ગાંજા બાબતે પૂછતા સુનિતાએ જણાવ્યું કે આ ગાંજાનો જથ્થો તેનો પતિ દીપક રાઠોડ રાજસ્થાનના કોઈ શખ્સ પાસેથી વેચાણ કરવા માટે લાવ્યો હતો. હાલ મુખ્ય આરોપી પતિ દીપક રાઠોડ ફરાર છે, જેની શોધખોળ હાથ ધરાઈ છે.
આ ગાંજા અને રોકડ કૌભાંડમાં પકડાયેલા આરોપીઓનો ઇતિહાસ પણ એટલો જ ખતરનાક છે. સરખેજ પોલીસ તપાસમાં ખૂલાસો થયો છે કે પકડાયેલી મહિલા આરોપી સુનિતા રાઠોડ સામે અગાઉના કુલ ૪૮ ગુનાઓ નોંધાયેલા છે, જેમાંથી ૪૭ ગુના માત્ર દારૂની હેરાફેરી અને પ્રોહીબિશનના છે. જ્યારે ફરાર ચાલી રહેલા તેનો પતિ દીપક રાઠોડ સામે પણ ૨૫ ગુનાઓ નોંધાયેલા છે, જેમાંથી ૨૪ ગુના દારૂની હેરાફેરીના છે. આ ગંભીર ક્રાઈમ કુંડળીને રાખીને સરખેજ પોલીસે હવે આ આરોપીઓની ગેરકાયદેસર સંપત્તિઓની ખરાઈ કરવાનું શરૂ કરી દીધું છે. આગામી સમયમાં આ પેડલરોની મિલકતો જપ્ત કરવા અને ગેરકાયદેસર બાંધકામો પર ડિમોલેશન જેવા કડક પગલાં ભરવાની દિશામાં પણ પોલીસે તપાસ તેજ કરી દીધી છે. ત્યારે ડ્રગ્સ અને નશાને લઈને અમદાવાદ પોલીસે હવે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી છે સાથે જ સરખેજ પોલીસે ફરાર પતિ દીપક રાઠોડ અને રાજસ્થાનના સપ્લાયરને ઝડપી પાડવા માટે સરખેજ પોલીસની ટીમો કામે લાગી છે.










































