મોરબીના ટીંબડી પાટિયા નજીક બેફામ દોડતા ડમ્પરે બાઈકને ઠોકર મારતા બાઈક સવાર પિતા-પુત્રનમકમાટીભર્યાં મોત નીપજ્યા હતા, જ્યારે માતાને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે. માળિયા હાઇવે પર કારખાનામાં રહીને મજૂરી કરતો પરિવાર બીમાર પુત્રની દવા લેવા બાઇક પર મોરબી જતો હતો ત્યારે અકસ્માત થયો હતો.મોરબીના ટીંબડી પાટિયા નજીક બપોરના સુમારે ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં માળિયા હાઈ-વે પરથી બાઈક લઈને મોરબી આવતા પરિવારને ડમ્પર ચાલકે ટક્કર મારી હતી. અકસ્માતમાં બાઈક સવાર દંપતી અને બાળક ફંગોળાઈ રોડ પર પડી ગયા હતા. બાઈક ચાલક દિનેશભાઈ ઉર્ફે રોહિતભાઈ લક્ષ્મણભાઈ પરમાર (ઉ.વ.૩૦) અને તેના પુત્ર આદેશ દિનેશભાઈ પરમાર (ઉ.વ.૬)ના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા જયારે મૃતકના પત્ની લક્ષ્મીબેન દિનેશભાઈ પરમારને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક દિનેશભાઈ પરિવાર સાથે માળિયા હાઈ-વે પર કારખાનામાં રહીને મજુરી કરતા હતા. પુત્ર આદેશ છેલ્લા ત્રણ દિવસથી બીમાર હોવાથી પ્રતિદિન સારવાર માટે મોરબી આવતા જતા હતા, અને આજે બપોરે પરિવાર બાઈક પર મોરબી આવવા નીકળ્યો, ત્યારે ડમ્પર ચાલકે ટક્કર મારતા અકસ્માત થયો હતો. અકસ્માત બાદ ડમ્પર સ્થળ પર મૂકી ચાલક નાસી ગયો હતો. મોરબી તાલુકા પોલીસે ફરાર ડમ્પર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધી અને તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.મોરબી-માળિયા હાઈવે હોય કે પછી નવલખી હાઈ-વે બેફામ દોડતા ડમ્પરોના ત્રાસથી વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. માતેલા સાંઢ જેમ દોડતા ડમ્પર અવારનવાર અકસ્માત સર્જી નિર્દોષ નાગરિકોના જીવ લઇ રહ્યા છે . પોલીસને બેફામ દોડતા ઓવરલોડ ડમ્પર દેખાતા નથી. આજે અકસ્માત કરનાર ડમ્પરમાં પણ નંબર પ્લેટ ગાયબ જાવા મળી હતી. નંબર પ્લેટ વગરના ડમ્પર દોડે છે, છતાં પોલીસ કે આરટીઓ વિભાગ કેમ મૌન છે, તે મોટો પ્રશ્ન છે.






































