રાજ્ય સરકાર દ્વારા હાલ આદિવાસી વોટ બેન્ક મજબૂત કરવા માટે તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હાલ ત્રણ દિવસ આદિવાસી બેલ્ટમાં ભ્રમણ કરી રહ્યા છે. હવે આદિવાસી ખેડૂતોને રિઝવવા માટે રાજ્ય સરકારે રવિ સિઝનમાં પણ બિયારણ અને ખાતરની સહાય આપવાનો નિર્ણય લીધો છે. જી હા….અત્યાર સુધી ખરીફ સિઝન માટે જ બિયારણ અને ખાતરની સહાય આપવામાં આવતી હતી, પરંતુ હાલ સરકારે પોતાનો મૂડ બદલ્યો છે.
ગુજરાત સરકારના નિર્ણય મુજબ, ગુજરાતના આદિવાસી વસ્તી ધરાવતા કુલ ૧૪ જિલ્લાના ૪૮,૦૦૦થી વધુ લાભાર્થી ખેડૂતોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ યોજના માટે અગાઉ ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી અને હાલમાં લાભાર્થીઓને કિટ વિતરણની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
બીજી તરફ, એવી ચર્ચાઓ થઈ રહી છે કે આગામી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સરકાર આદિવાસી વિસ્તારો પર વિશેષ ધ્યાન ફોકસ કરી રહી છે. વિરોધ પક્ષો અને રાજકારણ સાથે જોડાયેલા વિશ્લેષકોના મતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓના આદિવાસી વિસ્તારોના પ્રવાસ અને રવિ સિઝનમાં સહાય શરૂ કરવાનો આ નિર્ણય આદિવાસી મતદારોને આકર્ષવાના પ્રયાસનો એક ભાગ હોઈ શકે છે.
આ યોજના હેઠળ પ્રત્યેક લાભાર્થી ખેડૂતને એક એકર જમીન માટે પૂરતું બિયારણ અને ત્રણ પ્રકારના ખાતર આપવામાં આવશે, જેમાં એક એકર જમીન માટે યોગ્ય પાકનું બિયારણ, પ્રોમ ખાતરની ૫૦ કિલોની એક બેગ, એમોનિયમ સલ્ફેટ ખાતરની ૫૦ કિલોની એક બેગ અને એનપીકે કોન્સોર્ટિયાની એક બોટલ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ખરીફ સિઝનમાં આ યોજના હેઠળ મગફળી, સોયાબીન, જુવાર, ડાંગર, રીંગણ, અડદ, તુવેર, રાગી, ભીંડા અને બાજરી જેવા પાકોમાંથી કોઈપણ એક પાકના બિયારણની સહાય આપવામાં આવતી હતી.
ગુજરાતના ૧૪ જિલ્લાની ભૌગોલિક સ્થિતિ અને સ્થાનિક આબોહવાને ધ્યાનમાં રાખીને બે મુખ્ય ઝોનમાં વહેંચીને બિયારણની ફાળવણી કરવામાં આવી છે.
ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓઃ બનાસકાંઠા, સાબરકાંઠા, મહિસાગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લાના ખેડૂતોને મુખ્ય પાક તરીકે ઘઉં, ચણા અને મકાઈનું બિયારણ અપાશે. આ ઉપરાંત, તેની સાથે શાકભાજીના પાક તરીકે ટમેટા, રીંગણ અને ભીંડા પૈકી કોઈ એક પાકનું બિયારણ અને ખાતર આપવામાં આવશે.
દક્ષિણ ગુજરાતના જિલ્લાઓઃ નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લાના ખેડૂતોને મુખ્ય પાક તરીકે ભીંડા, ટમેટા, દૂધી અને કાકડીનું બિયારણ અપાશે. તેની સાથે પૂરક પાક તરીકે રીંગણ અથવા બ્રોકલીનું બિયારણ ખાતર સાથે આપવામાં આવશે.







































