મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય પરિવારોને વધુ એક ઝટકો લાગ્યો છે. અમૂલ બાદ હવે સુરતની સુમુલ ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે.સુમુલ ડેરીના આ નિર્ણયથી સુરત અને તાપી જિલ્લાના લાખો ગ્રાહકોના ખિસ્સા પર સીધી અસર પડશે. ડેરીએ દૂધની અલગ-અલગ વેરાયટી અને પેકિંગ સાઇઝ પ્રમાણે પ્રતિ પેકેટ રૂ.૧થી રૂ.૬ સુધીનો વધારો કર્યો છે. નવા ભાવ આજથી એટલે કે ૧૯ નવેમ્બરથી અમલી બન્યા છે. સુમુલ ડેરીના ભાવ વધારાની સૌથી વધુ અસર ભેંસનું દૂધ ખરીદતા ગ્રાહકોને થશે. બફેલો મિલ્કના એક લિટરના પેકેટમાં સીધો રૂ.૬નો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ રૂ.૭૮માં મળતું આ પેકેટ હવે રૂ.૮૪માં મળશે.
બીજી તરફ, ગ્રાહકોમાં લોકપ્રિય અમૂલ ગોલ્ડના એક લિટરના પેકેટમાં રૂ.૪નો વધારો થયો છે. પરિણામે તેની કિંમત રૂ.૭૨થી વધીને રૂ.૭૬ થઈ છે. જ્યારે ૫૦૦ મિલીલીટરના પેકેટનો ભાવ રૂ.૩૬થી વધીને રૂ.૩૮ થયો છે. ડેરી દ્વારા અન્ય વેરાયટીના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અમૂલ તાઝાના ૫૦૦ મિલીલીટરના પેકેટમાં રૂ.૨નો વધારો થતાં તેની કિંમત રૂ.૨૮થી વધીને રૂ.૩૦ થઈ છે.
અમૂલ સ્લીમ એન્ડ ટ્રીમના ૫૦૦ મિલીલીટરના પેકેટમાં રૂ.૧નો વધારો કરવામાં આવ્યો છે. જાકે, તેની નવી કિંમત અંગે જાહેર કરાયેલા આંકડામાં વિસંગતતા જાવા મળે છે. ૧૮૦ મિલીલીટરના પેકેટનો ભાવ રૂ.૧૦થી વધીને રૂ.૧૧ થયો છે.
અમૂલ શક્તિના ૫૦૦ મિલીલીટરના પેકેટની કિંમત રૂ.૩૩થી વધીને રૂ.૩૪ થઈ છે. જ્યારે સુમુલ ગાયના દૂધના ૫૦૦ મિલીલીટરના પેકેટમાં રૂ.૨નો વધારો થતાં હવે ગ્રાહકોએ રૂ.૩૦ના બદલે રૂ.૩૨ ચૂકવવા પડશે.દરરોજ ૧૨.૫૦ લાખ લિટર દૂધનું વેચાણ, લાખો પરિવારોને અસર
સુમુલ ડેરી દ્વારા સુરત અને તાપી જિલ્લામાં દરરોજ આશરે ૧૨.૫૦ લાખ લિટર દૂધનું વેચાણ કરવામાં આવે છે. આ આંકડો જ દર્શાવે છે કે ભાવ વધારાની અસર કેટલા મોટા વર્ગ સુધી પહોંચશે. દૂધના રોજિંદા વપરાશને ધ્યાનમાં રાખતાં નાના ભાવ વધારાની પણ મહિનાના અંતે પરિવારોના બજેટ પર નોંધપાત્ર અસર થઈ શકે છે.
દૂધ
એવી જીવનજરૂરી વસ્તુ છે, જેનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં દરરોજ થાય છે. ચા, નાસ્તો, બાળકોના પોષણથી લઈને રસોઈની વિવિધ વાનગીઓમાં દૂધનો ઉપયોગ થતો હોવાથી ભાવ વધારાની સીધી અસર ઘરખર્ચ પર પડશે.
ખાસ કરીને મધ્યમ અને સામાન્ય આવક ધરાવતા પરિવારો માટે આ ભાવ વધારો વધુ મુશ્કેલી ઊભી કરી શકે છે. અમૂલ બાદ સુમુલ ડેરીએ પણ ભાવ વધારતાં હવે દૂધ ખરીદવા માટે ગ્રાહકોએ વધુ નાણાં ખર્ચવા પડશે. ૧૯ નવેમ્બરથી અમલી બનેલા નવા દરને પગલે સુરત અને તાપી જિલ્લાના ગ્રાહકોના માસિક બજેટમાં વધારો થવાની શક્યતા છે.