ભરૂચ જિલ્લાના ઉબેર ગામની ચારે બાજુ પાણી જ પાણી જાવા મળી રહ્યું છે. નહેરમાં ગાબડું પડ્યા બાદ પાણીનો પ્રવાહ ગામની આસપાસ ફરી વળ્યો હતો, જેના કારણે સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલી પડી હોવાનું જાણવા મળ્યું છે. ગ્રામજનોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.ગામની આસપાસના ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયાં છે. ડાંગર, કપાસ અને તુવેરના ખેતરોમાં જળભરાવ થતાં ખેડૂતોની ચિંતા વધી છે. ખેતરોમાં પાણી ભરાવાના ડ્રોન દૃશ્યો પણ સામે આવ્યા છે, જેમાં ગામ અને ખેતરોની ચારે બાજુ પાણી ફેલાયેલું દેખાય છે. ઊભા પાકને નુકસાન થવાની આશંકા સ્થાનિક ખેડૂતોમાં વ્યક્ત થઈ રહી છે. પાણી ઓસરવામાં સમય લાગે તો પાકને વધુ નુકસાન થવાનો ભય છે.ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય સહિતનું તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. નહેરમાં પડેલા ગાબડાનું સમારકામ કરવા અને પાણીનો પ્રવાહ કાબૂમાં લેવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ગામમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવા માટે પણ પ્રયાસો ચાલી રહ્યા છે.નર્મદા નિગમ દ્વારા નહેરની જાળવણી અને ગાબડું પડવાના કારણો અંગે તપાસ થવાની શકયતા છે. ખેડૂતો દ્વારા પાકને થયેલા નુકસાનનો સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી શકે છે. વધુ વિગતો તંત્ર તરફથી જાહેર થવાની શક્યતા છે.








































