રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ઓછા વરસાદને કારણે કૂવા, બોર અને ચેકડેમના જળસ્તર નીચે ઉતરી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ચોમાસામાં કપાસ, મગફળી અને સોયાબીનના પાકને નુકસાન થયા બાદ હવે શિયાળુ પાક બચાવવાની ચિંતા સતાવી રહી છે. ઘઉં અને ચણાનું વાવેતર કરનારા ખેડૂતોને પિયત માટે પાણી મળતું નથી. જેથી ભાદર-૧ ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવાની માંગ ઉઠી છે. જોકે, ડેમની કુલ ક્ષમતા ૬૬૪૭ એમસીએફટી સામે હાલ માત્ર ૯૪૬ એમસીએફટી પાણી ઉપલબ્ધ છે. જેતપુર સહિતના વિસ્તારોમાં પીવાના પાણીની જરૂરિયાતને કારણે સિંચાઈ માટે પાણી છોડવું મુશ્કેલ હોવાનું સમિતિના સભ્ય જણાવી રહ્યા છે. ખેડૂતો દ્વારા સૌની યોજના હેઠળ ડેમમાં પાણી ઠાલવવા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે.