અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં લૂંટ અને હુમલાની ઘટના સામે આવી છે.અને જશોદાનગર ચાર રસ્તા નજીક દુકાનના ઓટલા પર સૂતેલા ૧૭ વર્ષીય સગીર પર બાઇક પર આવેલા ત્રણ અજાણ્યા શખસોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ આરોપીઓ સગીર પાસેથી રૂ.૫૦૦ રોકડા, ગળામાં પહેરેલી ચેન અને અગત્યના દસ્તાવેજા ધરાવતું પાકીટ લૂંટીને ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત સગીરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે રામોલ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, મૂળ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાનો અને હાલ અમદાવાદના ભાઈપુરા-ખોખરા વિસ્તારમાં રહેતો ૧૭ વર્ષીય સગીર કડિયા કામની મજૂરી કરતો હતો. ૧૨ નવેમ્બરના રોજ તે નારોલ ખાતે કામ પૂર્ણ કરીને રાત્રે બીઆરટીએસ બસ મારફતે જશોદાનગર ચાર રસ્તા પહોંચ્યો હતો. મોડી રાત થઈ ગઈ હોવાથી તે નજીકમાં આવેલી લક્ષ્મી ફર્નિચર નામની દુકાનના ખુલ્લા ઓટલા પર સૂઈ ગયો હતો. રાત્રિ દરમિયાન તરસ લાગતાં તે પાણી પીવા માટે ઊંઘમાંથી જાગ્યો હતો. આ સમયે બાઇક પર આવેલા ત્રણ અજાણ્યા શખસોએ તેને ઘેરી લીધો હતો.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, ત્રણેય શખસોએ સગીર કંઈ સમજે તે પહેલાં તેના પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હુમલામાં તેને ઇજાઓ થતાં તે લોહીલુહાણ થઈ ગયો હતો. ત્યારબાદ આરોપીઓએ તેના ખિસ્સામાંથી રૂ.૫૦૦ રોકડા, ગળામાં પહેરેલી ચેન અને અગત્યના દસ્તાવેજા ધરાવતું પાકીટ ઝૂંટવી લીધું હતું. લૂંટ કર્યા બાદ ત્રણેય આરોપીઓ બાઇક પર ફરાર થઈ ગયા હતા. હુમલા બાદ સગીરે આસપાસના લોકોની મદદ માગી હતી. સ્થાનિક લોકોની મદદથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
ઘટના અંગે ભોગ બનનાર સગીરે રામોલ પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણ્યા શખસો વિરુદ્ધ લૂંટ અને હુમલાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આસપાસના વિસ્તારોનાં સીસીટીવી ફૂટેજ તપાસીને આરોપીઓને ઓળખવા અને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે.



































