સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઈવે પર કાનપરા ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. દ્વારકાધીશના દર્શન માટે પગપાળા જઈ રહેલા ૬૫થી વધુ શ્રદ્ધાળુઓના સંઘને ટ્રકે અડફેટે લેતાં એક પદયાત્રીનું મોત થયું છે, જ્યારે અન્ય સાત લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ ટ્રકચાલક વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, ૬૫થી વધુ શ્રદ્ધાળુઓનો સંઘ પગપાળા દ્વારકા તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન સંઘ કાનપરા ગામ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળથી આવેલા ટ્રકે પદયાત્રીઓને ટક્કર મારી હતી. અચાનક બનેલી ઘટનાને પગલે સંઘમાં અફરાતફરી મચી ગઈ હતી અને અનેક પદયાત્રીઓ રસ્તા પર પટકાયા હતા.
અકસ્માતમાં એક પદયાત્રીનું ગંભીર ઈજાઓને કારણે મોત થયું હતું. જ્યારે અન્ય સાત પદયાત્રીઓને ઈજાઓ પહોંચતાં સ્થાનિક લોકો અને વાહનચાલકોએ મદદ માટે દોડી આવીને તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હાલ ઈજાગ્રસ્તોની તબીબોની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે. અકસ્માત સર્જ્યા બાદ ટ્રકચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી ટ્રકચાલકને શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અકસ્માતને પગલે હાઈવે પર પદયાત્રા કરતા શ્રદ્ધાળુઓની સુરક્ષા અંગે ફરી સવાલો ઊભા થયા છે.






































