ધારી તાલુકાના જીરા ગામની સીમમાં આવેલા અશોકભાઈ પરશોતમભાઈ બાંભરોલીયાના ખેતરમાં પેરાપીટવાળા કૂવામાં રાત્રિના અંધકારમાં એક નર સિંહ પડી જતાં તેનું મૃત્યુ થયું હતું. બનાવની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કૂવામાંથી સિંહના મૃતદેહને બહાર કાઢી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસ અને પોસ્ટમોર્ટમ દરમિયાન સિંહનું મૃત્યુ પાણીમાં ડૂબી જવાથી થયું હોવાનું સામે આવ્યું હતું.
મૃત સિંહની ઉંમર અંદાજે ૨થી ૩ વર્ષની હતી. બનાવ દલખાણિયા રેન્જના કરમદડી રાઉન્ડ હેઠળના હીરાવા બીટ વિસ્તારમાં બન્યો છે.