ભુજ તાલુકાના પાયરકા ગામની સીમમાં ગત અઠવાડિયે ફાયરિંગથી યુવકના મોતના બનાવમાં મોટો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે, ૪ મિત્રો ભરી બંદૂકે શિકાર કરવા પહોંચ્યા હતા, ત્યારે આકÂસ્મક ફાયરિંગ થતા ગોળી સાથી મિત્રના લમણે આવી હતી અને તેનું ઢીમ ઢળી ગયું હતું. બાદમાં આ મિત્રોએ અકસ્માતે મોતમાં ખપાવવાનો પ્રયાસ કરી પુરાવાનો નાશ કરવા અને પોલીસને ગેરમાર્ગે દોરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે પશ્ચિમ કચ્છ એસ.ઓ.જી. અને એલ.સી.બી.એ સંયુક્ત કાર્યવાહી કરી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય છ આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
વિગતે વાત કરીએ તો, માનકુવા પોલીસ સ્ટેશનમાં ગત ૪ નવેમ્બર ૨૦૨૬ના રોજ પાયરકા વાડી વિસ્તારમાં અકસ્માત મોતની નોંધ થઈ હતી. બનાવને ગંભીરતાથી લઈ પોલીસે પશ્ચિમ કચ્છ એસ.ઓ.જી. અને એલ.સી.બી.એ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી દેશી બનાવટની બંદૂક મળી આવી હતી, જેને કબજે કરી પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
તપાસ દરમિયાન મૃતકની ઓળખ કાદર હાસમ જત તરીકે થઈ હતી, આટલું જ નહીં તેના માથામાંથી મળેલી ગોળી બનાવ સ્થળેથી મળેલી બંદૂકમાંથી ફાયર ન થઈ હોવાનું તથા અન્ય કોઈ બંદૂકમાંથી ફાયર થઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસને શંકા ગઈ કે આ કેસ અકસ્માતે મોત નહીં પણ હત્યાનો હોઈ શકે છે. જેને ધ્યાને લઈને પોલીસે તપાસ દરમિયાન કડીઓ જાડી કાદર હાસમ જતના મિત્રોની પૂછપરછ શરૂ કરી અને આખો ભેદ ઉકેલાઈ ગયો.
તપાસ દરમિયાન સામે આવ્યું કે, ૩ નવેમ્બરની રાત્રે કાદર હાસમ જત સહિત ચાર વ્યક્તિઓ શિકાર કરવા ગયા હતા. દરમિયાન ઇશા જત પાસે રહેલી બંદૂકમાંથી આકસ્મિક ફાયરિંગ થતાં કાદર જતના માથામાં ગોળી વાગી હતી અને તેનું મોત નીપજ્યું હતું. બાદમાં આ મિત્રોએ અકસ્માતે મોતમાં ખપાવવાનો પ્રયાસ કરી પુરાવાનો નાશ કરવા અને પોલીસને ગેરમાર્ગે દોરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું કે, બનાવ બાદ તેઓએ કાયદેસરની લાઇસન્સવાળી બંદૂક જપ્ત ન થાય અને પરવાનો રદ ન થાય તે માટે કાવતરું ઘડ્યું હતું. લાઇસન્સવાળી બંદૂકને છુપાવી તેના બદલે ગેરકાયદેસર દેશી બનાવટની બંદૂક મૂકી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. આ રીતે પુરાવાનો નાશ કરી ખોટો પુરાવો ઊભો કરવાનું કાવતરું સામે આવ્યું છે.
પશ્ચિમ કચ્છ એસ.ઓ.જી. અને એલ.સી.બી.ની સંયુક્ત ટીમે ઇશા હુશેન જત, આદમ ઇભલા જત, જુમા મુસા જત અને જાકબ દાઉદ જતને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી એક અગ્નિશસ્ત્ર, ૧૭ કારતૂસ અને છ મોબાઇલ ફોન કબજે કરાયા છે. જ્યારે અન્ય છ આરોપીઓ હજુ ફરાર છે. તમામ આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે માનકુવા પોલીસને સોંપવામાં આવ્યા છે.