ધોરાજી શહેરના બિસ્માર રસ્તાઓનો મુદ્દો રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સ્ટેશન રોડ, ગેલેક્સી ચોક, સોની બજાર, મેઈન બજાર અને ચકલા ચોક સહિતના વિસ્તારોમાં મોટા ખાડાઓ પડતાં વાહનચાલકો અને વેપારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ચોમાસા બાદ પણ રસ્તાઓનું સમારકામ નહીં થતાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરાએ ભાજપ શાસિત નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવી વિકાસના દાવાઓને પોકળ ગણાવ્યા હતા. તેમણે રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ કરી હતી. બીજી તરફ રાજકોટ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રાજુ બાલધાએ કોંગ્રેસના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ધોરાજીમાં તૂટેલા અને ગેરંટી સમયગાળો પૂર્ણ થયેલા રસ્તાઓ નવેસરથી બનાવવાના કામો મંજૂર થઈ ચૂક્યાં છે અને ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે. જોકે નાગરિકોને હાલાકીમાંથી ક્યારે મુક્તિ મળશે તે જોવું રહ્યું.