પૂર્વ કચ્છ જિલ્લામાં ગેરકાયદે વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આ દરમિયાન પૂર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમે બાતમીના આધારે મેઘપર બોરીચી વિસ્તારમાં દરોડો પાડીને બે બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડી છે. પોલીસના જણાવ્યા મુજબ, બંને મહિલાઓ ભારતમાં માન્ય વિઝા કે અન્ય જરૂરી દસ્તાવેજો વિના રહેતી હતી.
મળતી માહિતી મુજબ, પૂર્વ કચ્છ એસઓજીની ટીમને મેઘપર બોરીચી વિસ્તારમાં આવેલા એક બીજ નજીક બે વિદેશી મહિલાઓ ગેરકાયદે રહેતી હોવાની બાતમી મળી હતી. તેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન મૂળ બાંગ્લાદેશની વતની સાથી સિક્ધાર અને મિનારા બેગમને ઝડપી લેવામાં આવી હતી. પોલીસના પ્રાથમિક દાવા મુજબ, બંને મહિલાઓ પાસે ભારતમાં રહેવા માટેના માન્ય વિઝા કે આધારભૂત દસ્તાવેજા નહોતા.
બંને મહિલાઓને ઝડપી લીધા બાદ એસઓજી દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેઓ કયા હેતુથી ભારતમાં આવી હતી, કેટલા સમયથી અહીં રહેતી હતી અને તેમને અહીં રહેવા માટે કોણે મદદ કરી હતી તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.