કોડીનાર પોલીસે છેલ્લા ૧૬ વર્ષથી વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. કોડીનાર પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી. હરિયાણી દ્વારા નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે કોડીનાર-વેરાવળ હાઇવે પર આવેલી અંબુજા ચોકડી ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાંથી વર્ષ ૨૦૧૦ના કોડીનાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલો તેમજ કોડીનાર કોર્ટના વોરંટના ૧૬ વર્ષથી ફરાર આરોપી મહમદઅબરાર ઉર્ફે ઇબરાર મહમદરજાકભાઈ મીનહાજઉદીન કુરેશી (ઉં.વ. ૩૬, વ્યવસાયે ટ્રક ડ્રાઇવિંગ, રહે. પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ) મળી આવ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતાં તેણે ઉપરોક્ત ગુનામાં સંડોવણી કબૂલતાં પંચનામાની કાર્યવાહી કરી તેને અટકાયત હેઠળ લીધો હતો.






































