રાજુલા તાલુકાના સમૂહખેતી ગામે આજે ૧૭ અને ૧૮ નવેમ્બર દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના બે દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પ્રાકૃતિક ખેતી સંવાદ યોજાશે, જેમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતાના અનુભવો રજૂ કરશે. રાજ્યપાલના હસ્તે સમૂહખેતીના પ્રણેતા સ્વ. ભગવાનબાપા કસવાલાની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ તેમજ સ્વ. ગોવિંદબાપા પરસાણાની સ્મૃતિમાં ગોવિંદ સરોવરનું ભૂમિપૂજન કરવામાં આવશે. આ ઉપરાંત વૃક્ષારોપણ, ગૌપૂજન, ગૌશાળાની મુલાકાત અને મોડેલ ફાર્મની મુલાકાત સહિતના કાર્યક્રમો યોજાશે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, ઊર્જા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભારતભાઈ સુતરિયા, ધારાસભ્ય જે.વી. કાકડીયા, હિરાભાઈ સોલંકી, જીલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચોડવડીયા સહિત ઉપસ્થિત રહેશે.










































